AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમ

બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ…

બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા

રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ પાછળ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાસે થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એવીપીટી કોલેજ પાછળ રેલવે ટ્રેકની નીચે બનેલા મીની અન્ડરબ્રિજ ચાલુ કરાયાને હજુ બે વર્ષ પણ નથી થયા ત્યાં અતિ જોખમી હાલત થઇ ગઇ છે. ટ્રેન જ્યાથી દોડે છે એ અન્ડરબ્રિજના સ્લેબમાંથી ભ્રષ્ટાચારના પોપડાં ખરવા લાગ્યા છે. સ્લેબના જોઇન્ટ ખુલવા લાગતા મોટા ટ્રેન અકસ્માતની દહેશત મંડરાઇ રહી છે.

રાજકોટ મનપા અને ટ્રાફિક પોલીસ વચ્ચે સમયાંતરે ટ્રાફિક સંકલન સમિતિ મળે છે. જેમા ટ્રાફિકને લગતી સમસ્યાના ઉકેલ માટે ટૂંકાગાળા અને લાંબાગાળાના આયોજન કરવામા આવે છે. તેમા ટ્રાફિક સિગ્નલ મુકવાની વાત હોય કે પછી ઝીબ્રા ક્રોસીંગના પટ્ટા લગાવવા, વન-વે જાહેર કરવા, ડાયવર્ઝનના રૂૂટ નક્કી કરવા જેવા નિર્ણયોથી લઇને જે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધતી જતી હોય ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કક્ષાએ પણ નિર્ણય લેવાતા હોય છે. દરમિયાન એસ્ટ્રોનના નાલા પાસે અને હેમુગઢવી હોલ પાછળ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાસેના નાલા પર ટ્રાફિકનું ભારણ વધ્યુ હોય રેલવે લાઇન ક્રોસ કરવા માટે વાહનચાલકોને વધુ એક વિકલ્પ અપાયો છે. હેમુગઢવી હોલ પાછળના નાલુ અને એસ્ટ્રોનના નાલા વચ્ચે એટલે કે, એવીપીટી કોલેજના પાછળના ભાગે 2.5 મીટરની ઉંચાઇ અને ચાર-ચાર મીટરના બે ગાળા તેમજ 18 મીટરની લંબાઇનો મીની અન્ડરબ્રિજ બન્યો છે. કામ રેલવેએ કર્યુ છે. મનપાએ માત્ર બ્રિજ બનાવવાનો ખર્ચ આપ્યો છે. પણ કહેવાય છે ને કે, ભ્રષ્ટાચારનો ઓકટોપસી ભરડો સ્થાનિક પ્રશાસનથી માંડી કેન્દ્ર સુધી સડો લઇ ચુક્યુ છે.

બ્રિજ બન્યાને આ બીજુ જ ચોમાસુ છે. જો કે બ્રિજ બનતો હતો ત્યારથી જ અંદેશો આવી ગયો હતો કે કામમાં લોટ પાણી અને લાકડાં થઇ રહ્યા છે. જે માત્ર બે જ વર્ષમાં આ ભ્રષ્ટાચાર મોઢુ ફાડીને બહાર નીકળ્યો છે. અતિ જોખમી અને ભયજનક હકિકત એ સામે આવી છે કે, ટ્રેન જ્યાથી દોડે છે એ અન્ડરબ્રિજની છતમાંથી પોપડાં ખરવા લાગ્યા છે. સ્લેબના જોઇન્ટ ખુલ્લીને અલગ પડવા લાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ન કરે નારાયણ અને ટ્રેન પસાર થતી વેળાએ જ બ્રિજનો સ્લેબ ધસી પડે તો સર્જાનાર દૂઘર્ટના કંપાવી છુટી જાય તેવી ન બને તે પહેલા તંત્ર ગંભીરતા લે એ જરૂૂરી છે. બ્રિજ રેલવે તંત્રે ભલે બનાવ્યો હોય પણ ગંભીરતાથી વાફેક થઇ મનપાના તંત્રવાહકો અને શાસકો અન્ડરબ્રિજને ભયમુક્ત બનાવવા ભરઉંઘમાંથી જાગશે કે કેમ?

અન્ડરબ્રિજના રસ્તામાં અમુક જગ્યાએ સિમેન્ટનું ધોવાણ, દિવાલ લૂણો ખાઇ ગઇ
અન્ડરબ્રિજની છત જ નહીં પણ તેના સિમેન્ટ-કોંક્રિટથી બનેલા રસ્તામાં પણ અમુક જગ્યાએ ધોવાણ થવા લાગ્યુ છે. અન્ડરબ્રીજ નાનો ભલે હોય એમછતા તેમા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે એકધારો બે ઇંચથી વરસાદ પડે એટલે અન્ડરબ્રિજ સ્વીમીંગ પુલમાં ફેરવાઇ જાય છે. આવી હાલત વચ્ચે બ્રિજની બન્ને બાજુના ઢાળ પાસેના સિમેન્ટ-કોંક્રિટના રસ્તાનું ધોવાણ થવા લાગ્યુ છે. બ્રિજની દિવાલમાં અમુક જગ્યાએ લુણો ખાઇ જતા તેમાથી લાલ રેતી ખરતી હોવાનું નજરે જોઇ શકાય છે. બ્રિજ બન્યાના માત્ર બે જ વર્ષમાં ભ્રષ્ટાચારનો રાક્ષસ મોઢું ફાડીને ડોકાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *