ધોરાજી શહેરના દાતારવાળી વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અચાનક જોરદાર યુદ્ધ સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા સોની વેપારી પ્રમોદભાઈ જામવેચા આખલાઓની ઝપેટમાં આવી જતા તેમને એક આખલાએ હવામાં ફેંકી દીધા હતા. ઘટનામાં પ્રમોદભાઈને માથાના ભાગે ઈજા પહોંચતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત પ્રમોદભાઈ જામવેચાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ બાદ દાતારવાળી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં રખડતા ઢોરોના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં નારાજગી વ્યક્ત થઈ હતી. નાગરિકોએ આ ઘટનાને નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારી ગણાવી ઢોર પકડવાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. શહેરમાં રખડતા ઢોરને કારણે વારંવાર અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને શહેરમાં રખડતા ઢોર સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
