જામનગર શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી નામનો જુગાર રમતી છ મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 30,800ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા છે.
જામનગરના સીટી ’બી’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સ્વામીનારાયણનગર ડ્રીમ સિટી, શેરી નં. ’સી’ ખાતે આવેલા એક મકાન પાસે મહિલાઓ ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રીનાબેન રમેશભાઈ પટેલ, હેમાબેન પરેશભાઈ ખુબચંદાણી, લતાબેન હરીશભાઈ હિંદુજા, સુનીતાબેન જીતુભાઈ નાગપાલ, મધુબેન જેરામભાઈ વાછાણી અને આશાબેન યોગેશભાઈ મેવાડાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે મહિલાઓ પાસેથી કુલ રૂ. 30,800ની રોકડ તેમજ ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. આ અંગે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી. જી. રાજ, એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા તેમજ તેઓની ટીમે કરી હતી.
દુકાનમાંથી રૂ.24 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર શહેરના ધણશેરીની ખાડ વિસ્તારમાં મીઠાની મીલ સામે આવેલી બાબજી સિરામિક એન્ડ સેનેટરી નામની દુકાનમાંથી થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ચોરીના રૂ. 9 હજાર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલાના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવી અને સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી. જી. રાજના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નજીકની દુકાનના ડી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં આરોપીની ઓળખ મળી આવતા તેનો ફોટો બાતમીદારોને મોકલી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે ગીતા લોજ પાછળના વિસ્તારમાં દરોડો પાડી રાજ લલ્લુભાઈ કોળી (ઉંમર 19 વર્ષ), (રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે,) ઝડપી પાડ્યો હતો.
