ઝિમ્બાબ્વેએ બીજી વનડેમાં બાંગ્લાદેશને 13 રનથી હરાવ્યું. આ સાથે ઝિમ્બાબ્વેએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી. બેન કર્રનની અણનમ સદી અને પછી બોલરોની શાનદાર બોલિંગના કારણે યજમાન ટીમે બાંગ્લાદેશને 234 રનમાં ઓલઆઉટ કરી દીધું. હરારેમાં રમાયેલી બીજી વનડેમાં ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 247 રન બનાવ્યા.
એક સમયે બાંગ્લાદેશે માત્ર 3 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી 15 ઓવરમાં, કોઈ પણ બેટ્સમેન ઝિમ્બાબ્વેના બોલરો સામે ટકી શક્યો નહીં. 248 રનના લક્ષ્યાંકના જવાબમાં, બાંગ્લાદેશે 42 મી ઓવરમાં 5 વિકેટ બાકી રહેતા 200 રનનો આંકડો પાર કર્યો. બાંગ્લાદેશને 49 બોલમાં માત્ર 41 રનની જરૂૂર હતી, પરંતુ નુરુલ હસન (38 રન) ના આઉટ થયા પછી શરૂૂ થયેલી વિકેટોની શ્રેણી આખી ટીમના આઉટ થયા પછી જ સમાપ્ત થઈ.
ઓપનિંગ બેટ્સમેન બેન કર્રનએ પોતાની વનડે કારકિર્દીની પહેલી સદી ફટકારી. બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં તે 135 બોલમાં 111 રન બનાવી અણનમ રહ્યો. તેણે આખી 50 ઓવર બેટિંગ કરી. તેની સાથે બ્રેડ ઇવાન્સે 38 બોલમાં 58 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી ઝિમ્બાબ્વે 247 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. બેન કર્રન માત્ર 122 બોલમાં પોતાની સદી પૂરી કરી અને શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યુ. આ વનડે શ્રેણી પછી ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 શ્રેણી પણ રમશે. આ શ્રેણી માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિકંદર રઝા ટીમનું નેતૃત્વ કરશે, અને બેન કર્રનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
