અમેરિકા અને ઇરાન વચ્ચેનો યુદ્ધવિરામ કામચલાઉ સાબિત થયો છે અને બંને પાછા એકબીજા સામે યુદ્ધે ચડી ગયા છે. ઇરાને હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલ લઈ જતાં ત્રણ ટેંકરોને નિશાન બનાવ્યાં તેને બહાનું બનાવીને અમેરિકાએ પાછી ધડબડાટી બોલાવી તેમાં બંને વચ્ચેના શાંતિ કરારનું સુરસુરિયું થઈ ગયું છે. અમેરિકાએ ઇરાનને ધમરોળી નાંખવા માટે 100થી વધારે ઠેકાણે હુમલા કર્યા છે. સામે ઇરાને પણ વળતો પ્રહાર કરીને મિડલ ઇસ્ટમાં અમેરિકાનાં સાથી એવાં કુવૈત, બાહરીન અને કતારમાં મિસાઈલો છોડી છે. ઇરાનના હુમલામાં આ ત્રણ દેશોમાં નુકસાનના કોઈ સમાચાર નથી પણ ઈરાનમાં ઠેકઠેકાણે વિસ્ફોટ થયા હોવાનું ઇરાનના સરકારી મીડિયાએ જ સ્વીકાર્યું છે. ઇરાનના સરકારી મીડિયાના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠે આવેલાં ચાબહાર, કોનારાક, બંદર અબ્બાસ અને સિરિક સહિતનાં સ્થળે અમેરિકાએ હુમલા કર્યા છે.
આ હુમલામાં કેટલું નુકસાન થયું તેને ફોડ છરાને નથી પાડ્યો પણ આ શહેરો ઇરાનનાં મહત્ત્વનાં બંદરો છે તેથી અમેરિકા ઇરાનને આર્થિક રીતે પાયમાલ કરી દેવાની જીદે ચડ્યું છે એ સ્પષ્ટ છે. અમેરિકાએ ઇરાનના સર્વોચ્ચ વડા અલી ખામનેઈની અંતિમવિધિ થવાની છે એ શહેર તરફ જતા બે પુલ પણ ઉડાવી દીધા છે. ઇરાન શહેરનો એક એરબેઝ પણ અમેરિકાનું ટાર્ગેટ બન્યો છે પણ સૌથી મોટો હુમલો બુશેહરનો છે. બુશેહર ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામનું સેન્ટર મનાય છે. બુશેહરમાં ઈરાનનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે. અમેરિકાનું માનવું છે કે, ઇરાને પરમાણુ પાવર પ્લાન્ટ તો ખાલી દેખાડા ખાતર ઊભો કર્યો છે, બાકી બુશેરહના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કોમ્પલેક્સમાં ઇરાન યુરેનિયમ એનરિચમેન્ટ કરીને પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ ભડકતાં આખી દુનિયા ફરી ટેન્શનમાં આવી ગઈ છે.
ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેઈટમાંથી ફરી ક્રૂડ ઓઈલનાં ટેન્કરોની અવરજવર પર નિયંત્રણ આવી જશે. તેના કારણે પાછી પેટ્રોલ-ડીઝલ નહીં મળવાની રાડારાડ શરૂૂ થશે. અમેરિકાએ ઇરાનને ક્રૂડ ઓઈલ વેચવાની મંજૂરી આપેલી એ પણ પાછી ખેંચી લીધી છે. તેના કારણે પણ બજારમાં ફૂડનો જથ્થો ઓછો આવશે ને ક્રૂડ મોંઘું થશે. ક્રૂડ ઓઈલના ભાવ વધશે તેથી પેટ્રોલ-ડીઝલ પણ મોંઘાં થશે એટલે સામાન્ય લોકોની હાલત કફોડી થઈ જવાની.
