સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવાના પણ આદેશો કર્યા છે.
આ બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોએ તંત્રની પોલ ખોલતા જ મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા હતા. ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સીએમએ કડક શબ્દોમાં આદેશ આપ્યા છે કે, જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે લેપ્સ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક અને જરૂૂર પડ્યે ફોજદારી પગલાં લેવામાં કોઈ સંકોચ રાખવામાં આવશે નહીં.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક એટલી કડક અને શિસ્તબદ્ધ હતી કે, મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ તમામ અધિકારીઓ, મનપા કમિશનર અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દેવામાં આવ્યા હતા. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન મિંટિંગમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની તદ્દન વાસ્તવિક અને ગંભીર પરિસ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. પ્રજાની હાલાકી સાંભળીને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે એક્શન પ્લાન બનાવવાની તાકીદ કરી હતી.
સુરત શહેરને ખાડી પૂરની આ કાયમી સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે ₹500 કરોડની માતબર રકમ ફાળવી છે. આ ભંડોળનો ઉપયોગ ખાડી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ, ખાડીને ઊંડી કરવા તેમજ તેની આસપાસ થયેલા તમામ ગેરકાયદે બાંધકામોને તાત્કાલિક ધોરણે તોડી પાડવા માટે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, ખાડી કિનારાના તમામ દબાણો કોઈપણ રાજકીય વગ વગર તાત્કાલિક દૂર કરવામાં આવે જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં.
તાજેતરના વરસાદના કારણે સુરત શહેરમાં જે નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે અથવા રોડ બેસી ગયા છે, તેની તપાસ કરવાના આદેશ પણ અપાયા છે. જો કોઈ પણ નવનિર્મિત રોડની કામગીરીમાં નબળી ગુણવત્તા અથવા ભ્રષ્ટાચાર સામે આવશે, તો માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ તેની સાથે સંડોવાયેલા મનપાના જવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. જનતાના નાણાંનો વેડફાટ કરનારા અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનારા તમામ ઈજારદારોને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે.
ભૂતકાળની ભૂલોનું કેમ પૂનરાવર્તન થયું?: હર્ષ સંઘવી
બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીએ આજે ખૂબ જ ગંભીરતાપૂર્વક સમીક્ષા બેઠક લીધી છે. પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો છે કે, ભૂતકાળમાં જે નહેર અને ખાડીના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, તે જ ભૂલ ફરી કેમ થઈ? આ બાબતની સંપૂર્ણ તપાસ અત્યારે ચાલુ છે.” તેમણે ઉમેર્યું કે, જો ભવિષ્યમાં પણ આ પ્રકારની લાપરવાહી જોવા મળશે, તો અધિકારીઓએ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તમામ પ્રભાવિત વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો કરવાની પણ સૂચના અપાઈ છે.
