શહેરના જૂનાગઢ રોડ પર નિર્માણાધીન ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજના નિર્માણ દરમિયાન બનાવવામાં આવેલા ડાયવર્ઝન રોડ પર ચોમાસાના ભારે વરસાદ બાદ કમરતોડ ખાડા પડી ગયા હતા અને પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા.
ડાયવર્ઝન પર પાણી ભરાવાના કારણે હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા ત્રણથી ચાર કલાક સુધી સેંકડો વાહનો અને મુસાફરો ટ્રાફિકમાં અટવાઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વચ્ચે વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોના આક્ષેપ મુજબ ડાયવર્ઝન વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીના નિકાલના માર્ગો બંધ કરી દેવામાં આવતા વરસાદી પાણી રોડ પર ભરાઈ ગયું હતું. વધુમાં, બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સ્થળ પર હાજર ન હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
વાહનચાલકો અને સ્થાનિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક અસરથી ડાયવર્ઝન રોડનું સમારકામ કરવા, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સતત સર્જાતી મુશ્કેલીઓને પગલે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી પણ લોકમાગ ઉઠી છે.
