રામમંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની વિદાય: હવે પારદર્શક વહીવટની આશા રાખીએ

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરનો વહીવટ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી…

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરનો વહીવટ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લેવાયું અને ચંપત રાયના સ્થાને કૃષ્ણ મોહનને નવા મહાસચિવ બનાવી દીધા. ચંપત રાય અને અનિલ મિશ્રાએ અઠવાડિયા પહેલાં જ રાજીનામાં ધરી દીધેલાં પણ ટ્રસ્ટના બંધારણની છટકબારીનો લાભ લઈને બંને હોદા પર ચીટકી રહેશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી. સદ્દનસીબે એવું કશું થયું નહીં ને ટ્રસ્ટના બંધારણ પ્રમાણે જ રાય ને મિશ્રાનાં રાજીનામાં સ્વીકારીને બંનેને રવાના કરી દેવાયા.

ચંપત રાયના સ્થાને આવેલા કૃષ્ણ મોહન ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ના ભૂતપૂર્વ અધિકારી છે અને અત્યારે ટ્રસ્ટી છે જ. કૃષ્ણ મોહનને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂૂપે મહાસચિવ બનાવાયા છે જ પણ તેમણે શરૂૂઆતમાં જ બતાવેલા અભિગમને જોતાં રામ મંદિરનો વહીવટ પાટે ચડે એવી આશા જાગી છે. કૃષ્ણ મોહને સૌથી પહેલું પ્રશંસનીય કામ રામ મંદિરને મળેલી સોના-ચાંદી સહિતની ચીજોનો હિસાબ લોકો સામે મૂકીને કર્યું છે.

રામ જન્મભૂમિ ચળવળના કાર્યકર સંતોષ દુબેએ આક્ષેપ કરેલો કે, રામ મંદિરમાંથી લગભગ 1,250 કિલો સોનું, મોટા પ્રમાણમાં ચાંદી, હીરાજડિત અને અષ્ટધાતુ ઇંટો ગુમ થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2021 થી જુલાઈ 2022 સુધી રામ મંદિરના એકાઉન્ટ ઓફિસર રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વયંસેવક મહિપાલસિંહે પણ કહેલું કે, રામ મંદિરમાં દાનમાં આવતા સોના-ચાંદીનો કોઈ લેખિત રેકોર્ડ રાખવામાં આવતો નથી. સોના-ચાંદી સહિતના ધાતુના દાનના ફોટો લઈને આ ચીજો ચંપત રાયને મોકલી દેવાતી હતી. ટિન્તુ આવીને બધું લઈ જતો પછી બધું ક્યાં જતું તેની કોઈને ખબર નથી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે રામ મંદિરમાં ગયા ત્યારે ચાર કિલો ચાંદીની ઈંટો ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી હતી. આ ચાંદી પણ મળતી નથી એવા આક્ષેપો થયા હતા. બીજા પણ આક્ષેપો થયેલા અને તેના કારણે એવી શંકા ઊભી થયેલી કે, ચોરો રૂૂપિયા તો ઠામી જ ગયા પણ ભગવાનને દાનમાં મળેલી ચીજોને પણ છોડી નથી.

ભગવાનના ધામમાં પણ ધાપ મારીને બધું સગેવગે કરી નાંખ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે આ આશંકાઓને નિર્મૂળ કરવા માટે દાનમાં મળેલી ચીજોનું રજિસ્ટર જાહેરમાં મૂકી દીધું. રામ મંદિર ટ્રસ્ટનું આ વલણ એકદમ યોગ્ય છે કેમ કે ધર્મસ્થાનને વહીવટ પારદર્શક અને શંકાથી પર હોવો જ જોઈએ. ચંપત રાય આણી મંડળીએ કુલડીમાં ગોળ ભાંગીને ગોરખધંધા કર્યા અને બધું છુપાવી છુપાવીને કર્યું તેમાં ભગવાન રામના ધામ સાથે એક કલંકિત પ્રકરણ જોડાઈ ગયું. ચોરોના અધર્મના કારણે ધર્મનું ધામ કલંકિત થાય એ શરમજનક કહેવાય પણ જે થયું તેને ભૂંસી શકવાના નથી તેથી જાગ્યા ત્યારે સવાર કરવી પડે. રામ મંદિર ટ્રસ્ટ જાગ્યા ત્યારથી સવાર કરીને હવે પછી પારદર્શકતા રાખે અને કશું છુપાવે નહીં તો કોઈ અધર્મ નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *