ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી

શહેરની ભાગોળે ત્રંબા ગામ નજીક આવેલા ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર…

શહેરની ભાગોળે ત્રંબા ગામ નજીક આવેલા ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. ત્રણ દિવસથી વતનમાંથી આવેલો યુવાન વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ ચેકડેમ નજીક પગ લપસતા પાણીમાં ડૂબી ગયાની શંકા સેવાઇ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ મહેસાણાનો વતની અને છેલ્લા 3 દિવસથી ઢાંઢણી ગામે કામ કરતા તેના પિતરાઇ ભાઇના ઘરે આવેલો શૈલેષ કેશાજી ઠાકોર (ઉ.વ.26)નામનો યુવાન આજે વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો. સવારે તેના ભાઇ સહિતના લોકો ઉઠ્યા ત્યારે શૈલેષ ઘરે ન હોય જેથી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગામના સીમાડે આવેલા ચેકડેમ નજીક વાડી કામ કરતા અન્ય લોકોએ યુવાનને જોયો હોવાનુ જણાવતા ઢાંઢણી ગામના સરપંચ છગનભાઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા કોઠારિયા ફાયર સ્ટેશનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચેકડેમમાં ઉતરી શોધખોળ કરતા શૈલેષનો મૃતદેહ મળી આવ્યો હતો.

જેને બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ બહેનો એકનો એક ભાઇ હોવાનુ અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં શૈલેષને માનસિક બીમારી હોય ત્રણ દિવસ પહેલા જ વતનમાંથી આવ્યો હતો અને આજે સવારે ઘરેથી નીકળી ગયા બાદ ચેકડેમ નજીક પગ લપસતા પાણીમાં ડૂબી ગયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *