નેશનલ હાઇવે ઓથોરિટીની દરખાસ્તના આધારે નવા કાયદા અંતર્ગત રાજકોટ કલેક્ટરનું જાહેરનામું
પીપળિયા ટોલનાકા અને રીબડા વચ્ચેથી બેટી-રામપરા સુધીના ગામોમાં જમીન સંપાદન પ્રક્રિયા શરૂ
રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના કામ હવે પૂર્ણ થવામાં છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ ગ્રીનફિલ્ડ બાયપાસ જે ગામોમાંથી પસાર થનાર છે. તેવા તમામ 24 ગામોમાં બિનખેતીની પ્રક્રિયા 60 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
આ ગ્રીનફિલ્ડ બાયપાસ માટે જમીન સંપાદન કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મહેસુલ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટ તાલુકાના 16, કોટડાસાંગાણી તાલુકાના પાંચ અને ગોંડલ તાલુકાના ત્રણ ગામોમાં બિનખેતીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.
નેશનલ હાઇવે ઓથોરિટીના સુત્રોના કહેવા મુજબ આ સિક્સેલન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ ગોંડલ હાઇવે પર પીપળીયા ટોલનાકા તથા રીબડા ગામ વચ્ચેથી અમદાવાદ હાઇવે ઉપર બેટી-રામપર સુધી બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ ગ્રીનફિલ્ડ બાયપાસની જમીન સંપાદન પ્રક્રિયા માટે ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ યોજનામાં આવતા રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના કુલ 24 ગામોમાં આગામી 60 દિવસ માટે બિનખેતી (એન.એ.) પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ તુરંત સ્થગિત કરવામાં આવી છે.
સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા આ નિર્ણય જારી કરવામાં આવ્યો છે. જેની સંબંધિત જમીનધારકો અને નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયા અનુસાર, સરકારના મહેસૂલ વિભાગના 02 જૂન 2026ના પરિપત્રથી જમીન સંપાદન અંતર્ગત સંપાદન થનાર જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ બિનખેતી પરવાનગી આપવા બાબતે સૂચના અપાઈ છે. આ પરિપત્ર મુજબ, સંપાદક સંસ્થા દ્વારા યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનારા ગામોની યાદી કલેક્ટરને સોંપવાની રહે છે. આ યાદી મુજબના ગામોની બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાની હોય છે. આ 60 દિવસના સમયગાળામાં સંપાદન કરવાપાત્ર સર્વે નંબરની ઓળખ કરવા અંગેની કાર્યવાહી સંપાદક સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
પ્રોજેક્ટ ડાયરેક્ટર, એન.એચ.એ.આઈ., પી.આઈ.યુ., રાજકોટ દ્વારા ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ અંતર્ગત સંપાદન યોજનામાં આવતા ગામોની યાદી 22મી જૂને મોકલવામાં આવી છે.
સંપાદક સંસ્થા એન. એચ. એ. આઈ. દ્વારા જમીન સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરની ઓળખ અંગેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કલેક્ટર કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવશે. આ દરખાસ્તમાં બિનખેતી પરવાનગી માટે માંગણી કરેલી જમીનનો સમાવેશ સંપાદન હેઠળ થતો ન હોય તો તે માટે અરજી કરી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, મોટા હાઇવે નીકળવાના હોય તેવા વિસ્તારોમાં જમીનો અગાઉથી બિનખેતી કરાવી લઇ સંપાદન સમયે વધુ વળતર મેળવવાના ખેલ ચાલતા હોવાથી તાજેતરમાં જ કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવ્યો હતો. જેમાં જમીન સંપાદનની પ્રક્રિયાના છ માસ માટે બિન ખેતીની પ્રક્રિયા સ્થગિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ નવા કાયદા અંતર્ગત રાજકોટ કલેક્ટર દ્વારા આ પ્રથમ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
ત્રણ તાલુકાના ગામોનો સમાવેશ
રાજકોટ તાલુકાના રામપરા બેટી, મઘરવાડા, સાયપર, કુચીયાદડ, રફાળા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણીયાળા, ખેરડી, ગુંદા, કસ્તુરબા ધામ, કુવાડવા, ઢાંઢણી, ઢાંઢીયા અને ગઢકા ગામનો સમાવેશ થાય છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, અરડોઈ, નારણકા, પીપલાણા અને આણંદપર તેમજ ગોંડલ તાલુકાના ગુંદાસરા, રીબડા અને પીપળીયા ગામનો સમાવેશ થાય છે. સંપાદન પ્રક્રિયામાં આવતા ઉપરોક્ત ગામોમાં 60 દિવસ સુધી બિનખેતી પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે.
તમામ જિલ્લાને હિરાસર એરપોર્ટ-એઇમ્સની સીધી કનેક્ટિવિટી આપવાનું પ્લાનિંગ
અમદાવાદ હાઇવેથી ગોંડલ હાઇવેને જોડતા સિક્સલેન રાજકોટ (હિરાસર એરપોર્ટ) ગ્રીનફિલ્ડ બાયપાસ માટે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ થઇ છે. ત્યારે આ બાયપાસ દ્વારા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓને રાજકોટ એઇમ્સ અને હિરાસર એરપોર્ટને જોડવાનુ પ્લાનિંગ હોવાનુ સરકારી સુત્રો જણાવે છે. સુત્રોના કહેવા મુજબ હાલ જામનગર હાઇવેથી એઇમ્સ પાસેથી ગવરીદડ થઇ કુવાડવા પાસે ખાસ રોડનુ કામ ચાલી રહ્યુ છે. આ રોડ દ્વારા એઇમ્સ અને એરપોર્ટની સિધી કનેક્ટિવિટી બનશે. આ જ રોડ પરથી જામનગર અને દ્વારકા જિલ્લાને રાજકોટની બારોબારથી એરપોર્ટની સિધી કનેક્ટિવિટી મળી જશે. જયારે ગોંડલ હાઇવે અને અમદાવાદ હાઇવેને જોડતા આ પ્રયોઝ બાયપાસ દ્વારા પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓને રાજકોટના ટ્રાફિકની બારોબાર એરપોર્ટ અને ત્યાથી એઇમ્સ સુધી કનેક્ટિવિટી આપવાનુ આયોજન છે.
