જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ

જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે,…

જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, તેઓએ ગ્રાઇન્ડર (ગે ડેટિંગ એન્ડ ચેટ) એપ પર “કરણ” આઈડી મારફતે ચેટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સામેની વ્યક્તિએ પોતાનું નામ રવીરાજ હોવાનું અને ખંભાળિયાનો રહેવાસી હોવાનું જણાવી લાલપુર બાયપાસ ખાતે મળવાનું નક્કી કર્યું હતું.
નક્કી કરેલા સ્થળે કાળા રંગની સ્વિફ્ટ કાર (રજિસ્ટ્રેશન નં. જીજે-10-ઇએચ-1605) લઈને આવેલા રવીરાજ સાથે ફરિયાદી ભીખાલાલ કારમાં બેઠા હતા. ત્યારબાદ કાર બે ભાઈના ડુંગર તરફ લઈ જવામાં આવી હતી. રસ્તામાં એક દુકાન પાસે કાર ઉભી રાખી રવીરાજે પોતાના અન્ય ત્રણ સાગરિતો સાથે વાતચીત કરી હતી અને બાદમાં ફરિયાદીને નિર્જન વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા.

ફરિયાદ મુજબ ત્યાં ચારેય આરોપીઓએ ફરિયાદીને માર મારી કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું હતું. એક આરોપીએ છરી અને અન્ય આરોપીએ ધોકો બતાવી રૂ. એક લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી ભીખાભાઇનો અંદાજે રૂ.15 હજાર કિંમતનો મોબાઇલ ફોન, પાકીટમાં રહેલા એટીએમ કાર્ડ અને રૂ. એક હજારની રોકડ લૂંટી લેવામાં આવી હતી. ઉપરાંત એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીના બેંક ખાતામાંથી રૂ. 58 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 74 હજારની લૂંટ ચલાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 140(2), 61(2) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી પંચકોશી બી. ડિવિઝન ના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડમાં યુવકનો આપઘાત
જુલાઈ કાલાવડ શહેરના વિકાસ કોલોની, આંબેડકનગર વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકે માનસિક બીમારી અને આર્થિક સંકડામણના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, સાગરભાઈ ઉર્ફે ભીખો હરીભાઈ ચાવડા (ઉં. 26), રહે. વિકાસ કોલોની, આંબેડકનગર, કાલાવડ, છેલ્લા ઘણા સમયથી મગજની બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે મહિનાથી તેમની તબિયત વધુ બગડતાં તેઓ કોઈ કામધંધો કરી શકતા ન હતા અને આર્થિક સંકડામણમાં રહેતા હતા. જેના કારણે તેઓ ગુમસુમ રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
દરમિયાન તા. 6 જુલાઈ, 2026ના રોજ માનસિક બીમારી અને આર્થિક સંકડામણથી કંટાળી તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *