ચીનની પાવર કંપનીઓને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી: સ્થાનિક ઉદ્યોગોનો ખો નીકળશે

ચીન સાથેના ભારતના સંબંધો અત્યારે તણાવપૂર્ણ છે ત્યારે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીનની ચાર પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓને સરકારી પ્રોજેક્ટની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપતાં…

ચીન સાથેના ભારતના સંબંધો અત્યારે તણાવપૂર્ણ છે ત્યારે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીનની ચાર પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓને સરકારી પ્રોજેક્ટની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપતાં વિવાદ થઈ ગયો છે. 2020માં ગલવાન ખીણમાં ચીનાઓએ ભારતના 20 સૈનિકોની હત્યા કરી પછી ભારતે ચીની કંપનીઓ પર કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકેલો. અત્યંત અનિવાર્ય હોય એવા કિસ્સામાં હરાજીમાં ભાગ લેવા માટે એમ્પેનલમેન્ટ કરાવવા સરકારી મંજૂરી ફરજિયાત બનાવી હતી. મોદી સરકારનો એ નિર્ણય બરાબર હતો ને અત્યાર સુધી તેનું પાલન થયું. હવે અચાનક જ મોદી સરકાર ચીનની કંપનીઓ પર ઓળઘોળ થઈ ગઈ તેથી વિવાદ થવો સ્વાભાવિક છે.

કોંગ્રેસે આ નિર્ણયને ચીન સામે શરણાગતિ સ્વીકારવાનો નવો અધ્યાય ગણાવીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે તો બીજી તરફ મોદી સરકારની વિદેશ નીતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ચીન સામે નત મસ્તક થવાનો સિલસિલો ચાલુ રાખીને દેશના એમએસએમઈ એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોદી સરકાર ભારે નુકસાન કરી રહી છે. મોદી સરકારે ચીનની ટીબીઈએ એનર્જી, નાનજિંગ ઈલેક્ટ્રિક ઈન્ડિયા, ન્યૂ નોર્થઈસ્ટ ઈલેક્ટ્રિક ઈન્ડિયા અને તાઈકાઈ ઈલેક્ટ્રિક (ઈન્ડિયા)ને સરકારી પ્રોજેક્ટ્સની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી 24 જૂને આપી હતી. આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નહોતી કરાઈ ને દેશને અંધારામાં રખાયો હતો.

મીડિયામાં આ રિપોર્ટ આવ્યા ને કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા ભજવીને વિરોધ કર્યો પછી લોકોને આ વાતની ખબર પડી. સરકારે પોતે લીધેલા નિર્ણયની જાણ લોકોને કરવાનું કેમ મુનાસિબ ના માન્યું તેનો જવાબ સરકાર જ આપી શકે. જો કે મોટો સવાલ તો આપણી નીતિનો છે. સરકાર દ્વારા સામાન્ય લોકોને વોકલ ફોર લોકલનાં જ્ઞાન અપાય છે, આત્મનિર્ભર બનવાની વાતોનાં ચૂરણ ચટાડાય છે ને સરકાર પોતે જ ચીનની કંપનીઓને સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપે તો વોકલ ફોર લોકલ કે આત્મનિર્ભરતા જેવું ક્યાં રહ્યું? ચીનની પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓ સરકારી પ્રોજેક્ટ્સની હરાજીમાં ભાગ લે તેનો મતલબ એ જ થયો કે, સરકારને પોતાને ચીનની કંપનીઓનાં ઉત્પાદનો વાપરવા સામે કોઈ વાંધો નથી. આ કયા પ્રકારની આત્મનિર્ભરતા કહેવાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *