જમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવી

રાવકી ગામની સીમમાં યુવકનું ઢીમ ઢાળી મૃતદેહને કારમાં જ રાખી પરપ્રાંતિયોએ મારી નાખ્યાનું જણાવી લોકો ભેગા કર્યા પણ પોલીસે ભાંડો ફોડી નાખ્યો શહેરની ભાગોળે આવેલા…

રાવકી ગામની સીમમાં યુવકનું ઢીમ ઢાળી મૃતદેહને કારમાં જ રાખી પરપ્રાંતિયોએ મારી નાખ્યાનું જણાવી લોકો ભેગા કર્યા પણ પોલીસે ભાંડો ફોડી નાખ્યો

શહેરની ભાગોળે આવેલા રાવકી ગામે જમીનના ડખ્ખામાં ભત્રીજા અને ભાણેજે દારૂના નશામાં ડખ્ખો કરી યુવકને ધોકા વડે માર મારી ઢીમ ઢાળી દીધું હતું. હત્યા બાદ બન્ને શખ્સોએ મૃતદેહને કારમાં રાખી મૃતકને પરપ્રાંતિયો સાથે ચાલતી અદાવતમાં પરપ્રાંતિય શખ્સોએ મારી નાખ્યાની સ્ટોરી ઉભી કરી લોકોને ભેગા કર્યા હતાં. બાદમાં ખોટી સ્ટોરી ઉભી કરનાર ભત્રીજા અને ભાણેજે યુવકની હત્યા કર્યાનો ભાંડો ફુટતાં ખળભળાટ મચી ગયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે બન્ને હત્યારા શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના રાવકી ગામે રહેતા અને ખેતીકામ કરતા ભરતભાઈ વાલજીભાઈ ડાંગર નામનો 33 વર્ષનો યુવાન ગામની સીમાં કારમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનુ મોત નિપજયુ હતુ. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પરિવાર દ્વારા યુવકની હત્યા થયાનો આક્ષેપ કરવામાં આવતા એલસીબી પીઆઈ રાવ, લોધીકાના પીઆઈ ઇન્દ્રજીતસિંહ સરવૈયા સહીતે તપાસ કરતા મુતકના શરીરે ઈજાના નિશાન મળી આવતા બનાવ હત્યાનો હોવાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવકનું માર મારવાથી મોત નિપજ્યું હોવાનું ખુલ્યું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈમાં નાના હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. વિક્રમ ડાંગર તેમજ કટ્ટી બગડાએ મૃતક ભરતભાઈ ડાંગરને કેટલાક સમયથી પરપ્રાતિય સાથે ઝઘડો ચાલતો હોવાથી પરપ્રાંતિય શખ્સોએ ભરતભાઈ ડાંગરને માર માર્યો હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી અને આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી લોકોને ભેગા કર્યા હતાં. બન્ને હત્યારા શખ્સો મૃતક ભરતભાઈ ડાંગર સાથે સિવિલ હોસ્પિટલ સુધી સાથે આવ્યા હતાં.

બાદમાં બન્ને શખ્સો કોઈને કહ્યા વગર નાસી છુટયા હતાં. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા થયાનું ખુલતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતાં ભરતભાઈ ડાંગરને મોતને ઘાટ ઉતાર્યાની શંકાએ એસટી વર્કશોપ પાસે આંબેડકરનગરમાં રહેતો તેનો ભત્રીજો વિજય ઉર્ફે જીગો રમેશ ડાંગર અને ભાણેજ રાવકી ગામે રહેતો જીગ્નેશ ઉર્ફે કટી કેશુભાઈ બગડાની મૃતક ભરતભાઈ ડાંગરની કાર સાથે માખાવડ ચોકડી પાસેથી ઝડપી લીધા હતાં અને બન્નેની પુછપરછ કરતાં બન્ને શખ્સોએ જમીન બાબતે ડખ્ખો થયા બાદ ભરતભાઈ ડાંગરની હત્યા કરી મૃતદેહને કારમાં રાખી પરપ્રાંતિય શખ્સોએ હત્યા કર્યાની ખોટી સ્ટોરી ઉભી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ઝડપાયેલા બન્ને શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

યુવકના મોતથી અઢી વર્ષની પુત્રી અને આઠ વર્ષના માસૂમે પિતાનું છત્ર ગુમાવ્યું
રાવકીમાં રહેતાં ભરતભાઈ ડાંગરની જમીનના ડખ્ખામાં તેના ભત્રીજા વિજય ડાંગર અને ભાણેજ જિગ્નેશ ઉર્ફે કટ્ટી નામના શખ્સોએ હત્યા કરી હતી. હત્યારા બન્ને શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારતા અઢી વર્ષની પુત્રી બંસી ડાંગર અને આઠ વર્ષના શ્યામ ડાંગરે પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે ભરતભાઈના સહારે જીવન જીવતા વિધવા માતા લક્ષ્મીબેને પણ આધાર સ્થંભ પુત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

નોનવેજની લારીએ સાથે જમ્યા બાદ દારૂના નશામાં ખેલાયો ખૂની ખેલ
રાવકી ગામે રહેતાં ભરતભાઈ ડાંગર અને રાજકોટમાં રહેતાં તેના ભત્રીજા વિજય ઉર્ફે જીગો ડાંગર અને રાવકી ગામે રહેતા તેના ભાણેજ જીગ્નેશ ઉર્ફે કટ્ટી બગડા રાવકી ગામે વંડામાં આવેલી બાસીતભાઈની નોનવેજની લારીએ સાથે જમ્યા બાદ દારૂના નશામાં ભત્રીજા અને ભાણેજે જમીનનો કબજો ખાલી કરાવવા મુદ્દે ઝઘડો કરી ભરતભાઈ ડાંગર ઉપર લાકડી વડે હુમલો કરી હત્યા કરી હતી. હત્યા કરી બન્ને શખ્સોએ મૃતદેહને કારમાં રાખી પરપ્રાંતિય શખ્સોએ હત્યા કર્યાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં ભાંડો ફુટયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *