ધોરાજીના મોટી પરબડી ગામે સરકારી જમીન ઉપર કબજો કરી ખેતી કરનાર બે સામે ફરિયાદ

ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે સરકારી ગૌચરની કીમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરવા બદલ બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા…

ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે સરકારી ગૌચરની કીમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરવા બદલ બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે રાજકોટ કલેક્ટરના આદેશથી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા મોટી પરબડી ગામના ગૌચરની સરકારી જમીન પર સ્થાનિક બે શખ્સો દ્વારા છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. મોટી પરબડી ગામના ગૌચરની જમીનના સર્વે નંબર-21 નો કુલ વિસ્તાર 14-72-05 હેક્ટર ચોરસ મીટર છે. આ સરકારી માલિકીની વિશાળ જમીનમાંથી બે અલગ-અલગ હિસ્સા પર આરોપીઓએ પોતાનો હક જમાવી દીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી ભરતભાઇ જીવાભાઇ સારીખડા (રહે. મોટી પરબડી) એ ગૌચરની હેક્ટર 0-80-94 ચોરસ મીટર જમીન પર કબ્જો કરી તેમાં ઘઉંનું વાવેતર કરી નાખ્યું હતું. તેમજ અન્ય આરોપી જમનભાઇ રામાભાઇ ચુડાસમા (રહે. મોટી પરબડી) એ હેક્ટર 0-64-08 ચોરસ મીટર જમીન દબાવી તેમાં એરંડાનું વાવેતર કર્યું હતું. આ સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબ્જો હટાવી લેવા અને જમીન ખુલ્લી કરવા માટે તંત્ર દ્વારા અગાઉ બંને આસામીઓને સૂચના અને નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં, બંને આરોપીઓએ સરકારી આદેશને ઘોળીને પી જઈ કબ્જો ખાલી કર્યો ન હતો અને ગૌચરની જમીનનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ ચાલુ રાખ્યો હતો.

સરકારી જમીન પરના આ ગંભીર દબાણ અંગે ધોરાજીના તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ નિર્મળસિંહ ગોહીલ (ઉં.વ. 41) એ કલેક્ટર રાજકોટ સમક્ષ આખો અહેવાલ રજૂ કર્યો હતો. કલેક્ટર કચેરીની લીલી ઝંડી મળ્યા બાદ, ટીડીઓ હરદીપસિંહ ગોહીલે આ બંને ભૂમાફિયા તત્વો સામે ’ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો-2020’ ની કલમ-4(3) તથા 5(ઈ) મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી ગૌચરની જમીન ખાલી કરાવવા તંત્ર આગામી દિવસોમાં મોટું ઓપરેશન પાર પાડે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *