રાજકોટ શહેરમાં ચોરીની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે,જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીગ્રામ-2 અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાઓમાં તસ્કરોએ લાખો રૂૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કર્યો છે.પ્રથમ બનાવમાં નવા રિંગ રોડ ફન બ્લાસ્ટ પાસે આવેલી કસ્તૂરી અનંતા નામની નવી બનતી હાઈસાઈઝ બિલ્ડિંગમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી વરસીંગભાઈ ભીલાભાઈ ભાભોર, જેઓ અહીં ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે કામ કરે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત તારીખ 27 જૂનના રોજ રાત્રે પોતાના પરિવાર સાથે ધાબા પર સૂવા ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના રૂૂમનો દરવાજો ખુલ્લો હોવાનો લાભ લઈ અંદર પ્રવેશ કર્યો હતો.
આરોપીઓએ રૂૂમમાં પડેલી સ્કૂલ બેગમાંથી ચાંદીના સાંકળા (બે નંગ), જુમર બુટી અને બે વીંટી મળીને અંદાજે 550 થી 600 ગ્રામ ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી, જેની અંદાજિત કિંમત 60,000 રૂૂપિયા થાય છે. ઘટના બાદ જ્યારે ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે તેમાં એક મહિલા અને મધ્યમ બાંધાનો પુરુષ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે આ ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બીજી તરફ, ભક્તિનગર પોલીસ મથક વિસ્તારના રાધાકૃષ્ણનગર શેરી નં. 13માં રહેતા હંસાબેન કમલેશભાઈ કુવરીયાના મકાનમાં ચોરીની ઘટના બની છે. ફરિયાદી અને તેમનો પરિવાર મજૂરી કામ માટે ઘરની બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ આ તક ઝડપી લીધી હતી. અજાણ્યા તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી અગાશી મારફતે અંદર પ્રવેશ કર્યો હતો અને રસોડાની બારી પાસે રાખેલી ચાવીનો ઉપયોગ કરીને કબાટ ખોલ્યો હતો.
તસ્કરોએ કબાટમાંથી સોનાનો 10 ગ્રામનો ચેઈન (કિંમત 31,250 રૂૂપિયા), સોનાની બુટી, મહિલાની બે વીંટી, સોનાનો ઓમકાર, ચાંદીના સાંકળા અને રોકડ 50,000 રૂૂપિયા મળીને કુલ 1,35,174 રૂૂપિયાની મતાની ચોરી કરી હતી. સાંજના સમયે જ્યારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે તેમને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.રાજકોટમાં એક પછી એક બની રહેલી આ ચોરીની ઘટનાઓએ શહેરીજનોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસે પણ નાગરિકોને પોતાના ઘરની સુરક્ષા અંગે સાવધ રહેવા અને કિંમતી સામાન સુરક્ષિત રાખવા અપીલ કરી છે.
