પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે. શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં સ્કૂટરની ડેકી તોડીને કીમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર ત્રિપુટીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી છે.
ઘટનાની વિગત એવી છે કે,રણછોડ નગર રાજપૂતવાડી પાસે રહેતા ફરિયાદી ધર્મેશભાઈ વિજયભાઈ ઓઝાએ ગત તારીખ 30 જૂન 2026ના રોજ પોતાનું એક્સેસ સ્કૂટર મનહર પ્લોટ પાસે પાર્ક કર્યું હતું. અજાણ્યા ઈસમોએ આ સ્કૂટરની ડેકી તોડીને તેમાંથી લેધર બેગની ચોરી કરી હતી, જેમાં બે નોકિયા, એક લાવા, એક સેમસંગ અને એક અન્ય કંપનીનો મોબાઈલ મળી કુલ પાંચ કી-પેડ મોબાઈલ ફોન હતા. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.વી. વાઢીયા તથા સર્વેલન્સ સ્કોડના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસ ટીમના સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એસ.આર. ચાવડા, મહેશભાઈ ચાવડા, કરણભાઈ વિરસોડીયા, તેજસભાઈ ડેર સહિતની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલવિયા ચોક પાસેથી શંકાસ્પદ રિક્ષાને ઝડપી લેવામાં આવી હતી. આ રિક્ષામાં સવાર ત્રણ ઈસમો પાસેથી ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ મનહર પ્લોટમાં પાર્ક કરેલા સ્કૂટરની ડેકી તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આ ગુનામાં વપરાયેલી રિક્ષા, લેધર બેગ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ 1,06,500 રૂૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં કબીર ગણેશ ઉર્ફે ગનીભાઈ સલાટ, અર્જુન મનોજભાઈ સોલંકી અને રાહુલ કિશોરભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ અગાઉ પણ થોરાળા, એ-ડિવિઝન, માલવિયા નગર, પ્રનગર અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.આ આરોપીઓની કામગીરી કરવાની પદ્ધતિ મુખ્3યત્વે પાર્કિંગમાં રહેલા સ્કૂટરની ડેકી તોડીને તેમાંથી માલસામાન ચોરવાની રહી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
