કંસારા બજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગ ઝડપાઇ; દિવાનપરાના મકાનમાં ચોરીની કરી કબૂલાત

રાજકોટ શહેરના કંસારા બજાર અને દિવાનપરા મેઈન રોડ પર આવેલા મકાનમાંથી વાસણની ચોરી કરનાર ગેંગને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયા અને તેમની સર્વેલન્સ ટીમ…

રાજકોટ શહેરના કંસારા બજાર અને દિવાનપરા મેઈન રોડ પર આવેલા મકાનમાંથી વાસણની ચોરી કરનાર ગેંગને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયા અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રામનાથપરા, જૂની જેલ સામે, ભણજીદાદાના પુલ પાસેથી શંકાસ્પદ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આ ઈસમોએ કંસારા બજાર અને દીવાનપરા વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 02/07ના રોજ કંસારા બજાર પાછળ આવેલી ફરિયાદી સચિનભાઈ રસિકલાલ શેઠની દુકાનના તાળા તોડી અજાણ્યા શખ્સો દ્વારા ચાંદીના વાસણો, જર્મન સિલ્વરની વસ્તુઓ, તાંબાના સિક્કા અને રોકડ રકમ મળી કુલ રૂૂ. 4,79,250ની ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, અગાઉ તારીખ 28/05ના રોજ દીવાનપરા મેઈન રોડ પર વિશ્વકર્મા મંદિરની સામે રહેતા ફરિયાદી વિકાસભાઈ પ્રવીણચંદ્ર કોઠારીના મકાનના તાળા તોડીને પણ જુનવાણી તાંબા-પીત્તળના વાસણોની રૂૂ. 36,000ની ચોરી કરવામાં આવી હતી. પોલીસે આ બંને ગુનાઓમાં કુલ રૂૂ. 5,15,250નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

પોલીસની પકડમાં આવેલા આરોપીઓમાં (1) અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપભાઈ બાંભણીયા, (2) પૃથ્વી ઉર્ફે જીગર ઉર્ફે જીગો સંજયભાઈ ઘાંઘલપરીયા, (3) દિનેશ ઉર્ફે દિનો બાબુભાઈ બરસાડીયા અને (4) કરણ ઉર્ફે તાંત્રિક તુલસીભાઈ વહાણેકીયાનો સમાવેશ થાય છે, આ ઉપરાંત ત્રણ કિશોરો પણ આ ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.આ ટોળકી સામાન વેંચવા ગ્રાહક શોધતી હતી ને પોલીસની ઝપટે ચડી ગઈ હતી.આ આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે, જેમાં રાજકોટ શહેરના થોરાળા અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઈ એસ.આર. ચાવડા, એ.એસ.આઈ. બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા તથા પોલીસ હેડ કોન્સટેબલ કનુભાઈ બસીયા, ધર્મેશભાઈ પરમાર, મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા, કરણભાઈ વિરસોડિયા અને તેજશભાઈ ડેર દ્વારા સઘન પેટ્રોલિંગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આ ગુનાઓ ઉકેલી નાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *