માણાવદર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તાલુકાના બૂરી ગામે પૂરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ઓએનજીસી કંપનીના 10 જેટલા કર્મચારીઓ ફસાઈ જતાં તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ આકસ્મિક હોનારત અંગે માણાવદર મામલતદાર કચેરી ખાતે કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂૂમને તાકીદનો સંદેશો મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના અનુસાર હોમગાર્ડ્સના જવાનો યાસીનભાઇ, કમલેશભાઈ, ગૌતમભાઈ બચાવ સામગ્રી સાથે તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા પૂરના ધસમસતા પાણી અને અત્યંત પ્રતિકૂળ સંજોગો વચ્ચે હોમગાર્ડ્સના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર ભારે જહેમત ઉઠાવી હતી. ટીમની અદભુત કુશળતા, સાહસ અને ત્વરિત આયોજનના કારણે પાણીના જોરદાર પ્રવાહ વચ્ચેથી તમામ 10 કર્મચારીઓને એકપણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર અને હોમગાર્ડ્સની આ સફળ કામગીરીને પગલે ફસાયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.
