દ્વારકાનો દરિયો તોફાની બનતા ગોમતીઘાટ, ભડકેશ્ર્વર સહિત દરિયાકાંઠે પોલીસ-ફાયર વિભાગ તૈનાત

ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા માટે જાહેર કરાયેલા હાઈ વેવ એલર્ટના પગલે સમગ્ર કાંઠાળ વિસ્તારમાં સાવચેતીના પગલાં વધુ…

ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા માટે જાહેર કરાયેલા હાઈ વેવ એલર્ટના પગલે સમગ્ર કાંઠાળ વિસ્તારમાં સાવચેતીના પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. શુક્રવારે સવારથી જ દ્વારકાના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો અને દરિયામાં અસામાન્ય કરંટ તેમજ મોજાંની તીવ્રતા વધતા દરિયો ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતો જોવા મળ્યો હતો.
દ્વારકાના ગોમતીઘાટ, ભડકેશ્વર મંદિર આસપાસનો દરિયાકાંઠો, ચક્રતીર્થ તેમજ અન્ય દરિયાઈ વિસ્તારોમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમોને સતત પેટ્રોલિંગ માટે તહેનાત કરવામાં આવી છે. દરિયાકિનારે આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા ગઈકાલથી જ જિલ્લાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. માછીમાર બોટોને બંદરો પર જ રોકી રાખવા તેમજ કોઈપણ સંજોગોમાં દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂૂરિયાત મુજબ વધુ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

હાલ દરિયાની સપાટીમાં સામાન્ય દિવસોની સરખામણીએ વધારો નોંધાઈ રહ્યો છે. નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી કલાકોમાં 3.5 મીટરથી વધુ ઊંચા મોજાં ઉછળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તથા પ્રવાસીઓને સતર્ક રહેવા, તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન, પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ સંયુક્ત રીતે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના સર્જાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *