માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય
ગુજરાતમાં મોડી પધરામણી બાદ મેઘરાજાએ છેલ્લા 3 દિવસમાં જમાવટ કરી દીધી છે અને ગીર સોમનાથ, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાને સતત ત્રીજા દિવસે ધમરોળી નાખ્યા છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર 22.24 ઇંચ વરસાદ ખાબકી જતા માંગરોળ તથા આસપાસના ગામડાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે. અતિભારે વરસાદના કારણે દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે પણ ધોવાઇ જતા આ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
આજે સવાર સુધીમાં માળીયા હાટીનામાં પણ 14.09 ઇંચ, ડાંગના વધઇમાં 13.43 સુબીરમાં 13.23, અંબિકામાં 13.19, કેશોદમાં 12.80, માણાવદરમાં 12.56, ડોલવાણમાં 11.65, વાંસદામાં 9.80, ચિખલીમાં 9.61, વાલોદમાં 9.17, ડાંગ-આહવામાં 9.09, વેરાવળ-પાટણમાં 8.50, ગણદેવીમાં 8.39, વલસાડમાં 8.15 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજયના 225 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 22.24 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે
જેમાં 22 તાલુકામાં પાંચ ઇંચથી વધુ અને 62 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ અતિભારે વરસાદના કારણે માંગરોળ, માળીયા, કેશોદ, માણાવદર સહીતના વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે.
જો કે આટલો ભારે વરસાદ છતાં રાજયમાં સરરેાશ વરસાદ હજુ માત્ર 8.46 ટકા થયો છે. જેમાં માંગરોળમાં ત્રણ દિવસમાં 45 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 10 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. પરંતુ કચ્છ હજુ કોરૂ ધાકોડ છે.

