સ્વચ્છ અને તટસ્થ છબી ધરાવતા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના બદલે સરકાર નિયુક્ત ડીએમસી કેતન જોષી રહેશે તપાસનીસ વડા
રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની કટકી થઇ હોવાના એક પછી એક ભાંડાફોડ થયા બાદ અંતે આ પ્રકરણની તપાસ માટે શાસકોએ ‘સીટ’(તપાસ કમિટી) બનાવી છે. જો કે આ સીટ માત્ર કહેવા પુરતી જ એટલા માટે કહી શકાય કે કૌભાંડોના મુળિયા જ્યાથી નખાયા હતા તે વહિવટી વિભાગને જ સીટની રચના કરવાની જવાબદારી સોંપવામા આવી છે. એક રીતે બિલાડીને દૂધના રખોપા જેવી આ તપાસ કમિટી બની છે. સીટની રચના થઇ હતી ત્યારે તપાસનીશ વડા તરીકે સ્વચ્છ અને તટસ્થ અધિકારીની છાપ ધરાવતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને બદલાવીને તેની જગ્યાએ સરકાર નિયુક્ત ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કેતન જોષીને જવાબદારી સોંપવામા આવી છે. હજુ તો તપાસનો કક્કો માંડ ઘુંટવામા આવ્યો છે ત્યા અચાનક જ આ ફેરબદલ પાછળ ઘેરુ રહસ્ય સર્જાયુ છે.
‘તપાસ કમિટી’ આ એક એવી છટકબારી છે કે જેમા ભલભલા કસુરવાન માટે ‘બાઇજ્જત’ બરી થવા માટેની વ્યવસ્થિત ગોઠવણ થઇ જાય. કુલડીમાં ગોળ ભાંગવા માટે તપાસ કમિટીના નામનું પ્લેટફોર્મ સરળ ઉપાય છે. આજે માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્યભરમાં છાપરે ચડીને છતા થયેલા જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં લાખો રૂૂપિયાની કટકીના કાંડમાં મેયર ડો.નેહલ શુક્લના આદેશથી ‘સીટ’(તપાસ કમિટી)ની રચના તો કરવામા આવી છે પણ આ કમિટીમાં વહીવટી અધિકારી એટલે કે ‘ઘરના ભૂવા અને ઘરના ડાકલા’ની જ નિમણુંક કરવામા આવી છે. કમિટીની રચના કરવામા આવી હતી ત્યારે તપાસનીશ વડા તરીકે સ્વચ્છ અને તટસ્થની છબી ધરાવતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને રાખવામમા આવ્યા હતા અને તેમના અન્ડરમાં અન્ય ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસી. કમિશનર કાથરોટિયા, ઇન્ચાર્જ સિટી ઇજનેર પરેશ અઢિયા સહિત કુલ પાંચ સભ્યો હતા.
દરમિયાન હજુ તો કમિટીએ તપાસનો કક્કો માંડ ઘુટ્યો કે એ સાથે જ ‘સીટ’ના વડા તરીકે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને હટાવી નાખવામા આવ્યા છે. નોંધનીય છે કે, ડીએમસી ચેતન નંદાણીની છાપ પહેલેથી જ સ્વચ્છ અને તટસ્થ અધિકારી તરીકેની રહી છે. અચાનક જ તેમને સીટના વડા તરીકે હટાવી લેવા પાછળ અનેક રહસ્યમય સવાલોનો કોયડો સર્જાયો છે. સીટના નવા વડા તરીકે સરકાર નિયુક્ત ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કેતન જોષીને મુકી દેવામા આવ્યા છે. તપાસ કમિટીમાં હવે છ સભ્યો રહેશે. અહીં સવાલ એ સર્જાયો છે કે, આ રીતે અચાનક જ સીટના વડામાં ફેરફાર કરવા પાછળનું શું કારણ હોય શકે?
અચાનક ફેરફારનું કારણ શું? ‘ઉપર’થી આવતી સૂચના મુજબ તપાસ રિપોર્ટ બનશે?
જંગલેશ્વર ડિમોલિશનના કટકી કાંડમાં કુલડીમાં ગોળ ભાંગી નાખવામા આવે તો નવાઇ નહીં. તપાસના નામે લાખો રૂૂપિયાના કથિત ભ્રષ્ટાચારનું ફીંડલુ વાળી દેવામા આવશે તેવી ચર્ચા વચ્ચે સીટ તપાસનું પગથિયુ ચડ્યુ એ સાથે જ તપાસનીશ વડામાં ફેરફાર કરી નાખવા પાછળનું કારણ શું હોય શકે? સરકારમાંથી આવતી સુચના મુજબ જ તપાસ રિપોર્ટમાં બુધ્ધિપુર્વક બધુ ‘સમુસુતરુ’ પાર પાડી દેવાની જ ગણતરી હોય તેવી ગંધ આવી રહી છે.
સરકાર નિયુક્ત ડીએમસી આમેય ત્રણ ઘોડે સવાર છે, તપાસમાં શું બારીકાઇ રાખશે!
રાજકોટ મનપામાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે કેતન જોષી સરકાર નિયુક્ત છે. આ જવાબદારી ઉપરાંત તેમની પાસે પીજીવીસીએલના એમ.ડી. અને રજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એટલે કે સૌરાષ્ટ્રની તમામ નગરપાલિકાની જવાબદારી તેમની પાસે છે. આટલી જવાબદારી વચ્ચે પણ તેમને જંગલેશ્વર ડિમોલિશનના લાખો રૂૂપિયાના કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે સીટના વડા તરીકેની જવાબદારી સોંપવામા આવી છે ત્યારે સવાલ એ છે કે, તપાસમાં તેઓ શું બારીકાઇ રાખી શકશે?
