માળીયા મીયાણાના ઝખડીયા ગામે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઉપર જુની અદાવતનો ખાર રાખી શેઢ પાડોશીએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માળીયા મીયાણાના ઝઘડીયા ગામે રહેતો ઈમરાન અબ્બાઝભાઈ માલાણી નામનો 18 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ માળીયાથી ઝખડીયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગુલાબ જેઠા અને દિન મોહમદ જેબા સહિતના શખ્સોએ ઝઘડો કરી બંધૂક વડે ફાયરીંગ કર્યુ હતું. જેમાં ઈમરાન માલાણીને પગના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માળીયા મીયાણા પોલીસને જાણ કરતાં માળીયા મીયાણા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત ઈમરાન માલાણી અને હુમલાખોર શખ્સો શેઢા પાડોશી છે. અઢી મહિના પહેલા ઝખડીયા ગામે લગ્ન પ્રસંગ હતો ત્યારે બાઈક લઈને નીકળવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ગઈકાલે ઈમરાન માલાણી અને તેના મોટા બાપુનો દિકરો ઈદ્રીશ યાકુબભાઈ માલાણી (ઉ.22) માળીયાથી હટાણુ લઈ પરત ફરી રહ્યા હતાં ત્યારે શેઢા પાડોશી શખ્સોએ બાઈકને આંતરી ઈમરાન માલાણી ઉપર ફાયરીંગ કર્યુ હતું. જ્યારે તેના પિતરાઈ ભાઈ ઈદ્રીશ માલાણીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે માળીયા મીયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
