સુરત ડિમોલિશન કાંડમાં 5 ઇજનેરોના ઢેબરા અભડાયા

સુરતના નાસીરનગરના ભુતીયા ડિમોલીશન કાંડની આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા સુરત મહાનગરપાલિકાના પાંચ ઇજનેરોના ઢેબરા અભડાઇ ગયા છે. હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી દરમિયાન ભીંસમાં મુકાયેલા…

સુરતના નાસીરનગરના ભુતીયા ડિમોલીશન કાંડની આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા સુરત મહાનગરપાલિકાના પાંચ ઇજનેરોના ઢેબરા અભડાઇ ગયા છે. હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી દરમિયાન ભીંસમાં મુકાયેલા મ્યુનિ. કમિશનરે પાંચ ઇજનેરો સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિકા ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરને સસ્પેન્ડ કરી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કામગીરી અંગે ઊભા થયેલા વિવાદ બાદ એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આકરા પગલાં લેવાયા છે. જેમાં કામગીરી સાથે જોડાયેલા કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તથા જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી (સસ્પેન્ડ) હેઠળ મૂકવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે.

જયંગ રામજીવાલા ઘટનાસ્થળે હાજર હતા નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક એન્જિનિયર 8 જૂન સવારથી અચાનક એક સપ્તાહ માટે રજા પર ઉતરી ગયા હતા. માથા પર રૂૂમાલ બાંધીને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે હાજર રહેલા જયાંગ જીવન રામજીવાલાએ વિવાદ વકરતાં પોતાને બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયામાં ડિમોલિશન કામગીરી દરમિયાન તેમના વીડિયો વાઇરલ થતાં તેઓની હાલત કફોડી બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *