એશિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની 3 દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતના નાનકડાં ગામમાંથી આવતી ત્રણ દીકરીઓએ વૈશ્વિક લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. રાજ્યની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળાની (16 વર્ષ) થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે…

ગુજરાતના નાનકડાં ગામમાંથી આવતી ત્રણ દીકરીઓએ વૈશ્વિક લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. રાજ્યની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળાની (16 વર્ષ) થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1 થી 7 જુલાઈ, દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત નડિયાદ સ્થિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટરની તાલીમાર્થીઓ છે. નડિયાદ સ્થિત આ એકેડેમી રમતગમતની પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જ્વલંત સફળતા અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે.ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી રાજલ વાળા એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

અર્પિતા વાઢેર (17 વર્ષ) ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે અને ફોરમ કાગથરા (17 વર્ષ) અમરેલી જિલ્લાનાં વતની છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ તાલીમ મેળવી રહી છે.રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે દેશભરમાંથી 24 આશાસ્પદ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં કેપ્ટન સહિત ગુજરાતની ત્રણ ખેલાડીઓનો સમાવેશ થવો, તે રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં રાજ્યના વધી રહેલા વર્ચસ્વને રેખાંકિત કરે છે.એશિયન વોલીબોલ કોન્ફેડરેશન દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપમાં ખંડીય ખિતાબ માટે 16 દેશોની ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ 2027ની FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયાની ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ કામ કરશે, જેમાં ટોચની ચાર ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *