રાત્રે કારણ વગર ગાળો બોલવા મામલે થઈ હતી મારામારી, બન્ને પક્ષે છ શખ્સો સામે ગુનો નોંધાયો
સુરજ ડેરની ઓફિસ પાસે જ બન્યો બનાવ, પોલીસે પહોંચી અમુકની અટકાયત કરી
રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પર આવેલા માલધારી ચોક વિસ્તારમાં નહેરૂનગર શેરી નંબર 3 અને 4 ના ખુણે રાત્રે સાડા નવેક વાગ્યાની આસપાસ બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. આ ઝઘડામાં છરી જેવા હથિયારનો ઉપયોગ થતા બંને પક્ષના લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની પ્રથમ ફરિયાદ શ્રી કૃષ્ણ કુંજ મકાન, નહેરૂનગર પ્રાઇવેટ શેરી નંબર 5 માં રહેતા અને ટિફિન સર્વિસનું કામ કરતા 29 વર્ષીય હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજા દ્વારા નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદમાં જણાવ્યા મુજબ, 29 જૂનના રોજ રાત્રે આશરે સાડા નવેક વાગ્યે તેમના મિત્ર ભુપતનો ફોન આવ્યો હતો કે માલધારી ચોકમાં તેમના ભાઈ સાથે કોઈ ઝઘડો કરી રહ્યું છે. આથી તેઓ તુરંત માલધારી ચોકમાં સુરજભાઈ ડેરની ઓફિસ પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે કરણ જીલુભાઇ કુંભારવાડીયા, અર્જુન નરેશભાઈ કુંભારવાડીયા અને યુવરાજ નરેશભાઈ કુંભારવાડીયા દ્વારા તેમના ભાઈ પ્રતાપ જાડેજાને આડેધડ ઢીકા પાટુનો માર મારવામાં આવી રહ્યો હતો. જ્યારે હિમાનસિંહ વચ્ચે છોડાવવા ગયા ત્યારે ત્રણેય શખ્સોએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન કરણ કુંભારવાડીયાએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને હિમાનસિંહના જમણા હાથના કાંડાના ભાગે ઘા મારી દીધો હતો. આ હુમલાના કારણે તેમને લોહી નીકળવા લાગ્યું હતું અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે જઈ કાંડા પર ટાંકા લેવા પડ્યા હતા. ઝઘડા દરમિયાન મિત્ર ભુપતભાઈ અને ભાવિન દેવળા આવી જતા વધુ ઝઘડો થતો અટકાવ્યો હતો.
આ જ ઘટનામાં સામા પક્ષે નહેરૂનગર પ્રાઇવેટ શેરી નંબર 4 માં રહેતા અને મજૂરી કામ કરતા 28 વર્ષીય કરણભાઈ જીલુભાઇ કુંભારવાડીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, રાત્રે તેઓ માલધારી ચોકમાં આવેલ સુરજભાઈ ડેરની ઓફિસમાં બેઠા હતા અને તેમના કાકાના દીકરા ભાઈઓ અર્જુન અને યુવરાજ તેમજ તેમના મિત્રો ઓફિસની બહાર રોડ પર બેઠા હતા. આ સમયે પ્રતાપસિંહ ઉર્ફ પતીયો સુખદેવસિંહ જાડેજા ત્યાં આવ્યો હતો અને કારણ વગર ગાળો આપવા લાગ્યો હતો. પ્રતાપસિંહે યુવરાજને બે-ત્રણ ફડાકા મારી દીધા હતા અને ગાળો બોલવાની ના પાડતા ’તમને બધાને અહીથી ભાગો નહીતો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.
થોડીવારમાં પ્રતાપસિંહનો ભાઈ હેમાંગ ઉર્ફે હેમભા અને તેનો મિત્ર ભાવિન દેવડા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. હેમાંગે કરણના વાળ પકડી બે-ત્રણ ફડાકા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. છરીનો એક ઘા ડાબા હાથે માર્યો હતો અને જમણા હાથની વચલી આંગળીએ પણ છરી વાગવાથી ચેકો પડી ગયો હતો. આ સમયે કરણને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના પત્ની ધારા અને માતા ભાવનાબેનને પણ આરોપીઓએ ગાળો આપી ફડાકા મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. આમ, માલધારી ચોકમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો વચ્ચે મારામારી અને છરીબાજીની ઘટના બની હતી. હાલમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરૂણભાઈ ચાવડા દ્વારા બંને પક્ષની ફરિયાદોના આધારે પોલીસ કમિશનરના હથિયાર બંધી જાહેરનામાના ભંગનો અને મારામારીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
