દ્વારકા દર્શન કરી પરત આવતા મિત્રોની કાર ઊંટ સાથે અથડાઇ, 1નું મોત, 5 ઘવાયા

જામ ખંભાળિયા-દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રે એક હૃદયધબકાવતી દુર્ઘટના સામે આવી છે. જામનગરના રહેવાસી એવા છ મિત્રો કાર લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયા…

જામ ખંભાળિયા-દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રે એક હૃદયધબકાવતી દુર્ઘટના સામે આવી છે. જામનગરના રહેવાસી એવા છ મિત્રો કાર લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, આ તમામ મિત્રો મોડી રાત્રે કારમાં જામનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખંભાળિયા નજીક આવેલા હંજડાપર ગામના પાટીયા પાસે કાળ બનીને એક ઊંટ હાઈવેની વચ્ચે આવી ગયું હતું.

રાત્રિના સમયે હાઈવે પર અંધારું હોવાના કારણે કારના ચાલકને રોડ પર અચાનક આવી ગયેલું ઊંટ દેખાયું નહોતું. કાર પૂરપાટ ઝડપે હોવાથી બ્રેક મારે તે પહેલા જ કાર ઊંટ સાથે ભયાનક રીતે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ અને બોનેટ સંપૂર્ણપણે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક આશાસ્પદ યુવાનને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય પાંચ મિત્રો લોહીલુહાણ હાલતમાં કારની અંદર જ ચીસાચીસ કરી રહ્યા હતા.

રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ ગાડીઓ ઊભી રાખી 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઇમરજન્સી ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. અકસ્માતના સમાચાર જામનગર સ્થિત યુવકોના પરિવારજનોને મળતા જ મોટી સંખ્યામાં સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં કરૂૂણ દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *