સાયલા અને ધ્રાંગધ્રામાં ખાણ-ખનીજ વિભાગના દરોડા, 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરી છે. સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો…

સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરી છે. સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં હીટાચી મશીન, ડમ્પર, બોરવેલ ટ્રેક્ટર, કમ્પ્રેસર અને જેસીબી સહિતના વાહનો કબજે કરવામાન આવ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનને રોકવા તેમજ સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે, સાયલા તાલુકાના મદારગઢ ગામ પાસે ચાલતા ગેરકાયદે કાળા પથ્થરના ખનન પર દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ખાણખનીજની ટીમને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં ખનન માટે ઉપયોગમાં લેવાતા ત્રણ હીટાચી મશીન, બે ડમ્પર, એક બોરવેલ ટ્રેક્ટર અને એક કમ્પ્રેસર સહિત કુલ ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે સબ-સ્ટેશન પાછળ ચાલતા ગેરકાયદે પથ્થરના ખનન પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી ખાણખનીજની ટીમને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરતા એક જેસીબી મશીન સહિત ₹30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રાના ભરાડા ગામના લાલાભાઈ રણછોડભાઈ ભરવાડ આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. એન.એ. રાયમા અને સ્ટાફ તેમજ સુરેન્દ્રનગર ખાણખનીજ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *