ગોંડલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમ પાસે ઊભા રહીને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. કોઈ પણ તથ્યની વેરિફિકેશન કર્યા વિના કે હોસ્પિટલના જવાબદાર સત્તાધીશોનો સંપર્ક કર્યા વિના અફવા ફેલાવી પ્રજામાં પેનિક ઊભું કરવા અને શાંતિ-વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરવા બદલ ગોંડલ સિટી પોલીસે આ કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ એ’ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરભાઈ મનુભાઈ બોરીચા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, સોશિયલ મીડિયા પર દેખરેખ દરમિયાન ફેસબુક પર AtthistimeGondal નામની આઈડી પર એક વીડિયો અપલોડ થયેલો જોવા મળ્યો હતો. આશરે 2 મિનિટના આ વીડિયોમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામના રહેવાસી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ધનશ્યામસિંહ ઝાલા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે રૂૂબરૂૂ હાજર રહીને ઇન્ટરવ્યુ આપતા નજરે પડ્યા હતા. આ વીડિયોના મથાળા પર ગોંડલ સિવિલમાં ચોંકાવનારો આક્ષેપ, ફ્રીઝની ગેસ પાઈપ ચોરીથી મૃતદેહ કોહવાયો હોવાનો કોંગ્રેસ પ્રમુખનો દાવો તેવું લખેલું હતું.
વાયરલ થયેલા વીડિયોમાં હર્ષદસિંહ ઝાલાએ હોસ્પિટલ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ચરખડી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું અવસાન થયું હતું. તેમનો પરિવાર મુંબઈ રહેતો હોવાથી મૃતદેહને સાચવવા માટે ગોંડલ સિવિલ હોસ્પિટલના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. ફ્રીઝરની સ્વીચ ચાલુ કરીને હોસ્પિટલ તંત્ર જતું રહ્યું હતું, પરંતુ પાછળથી કુલિંગની કોપરની નળી (ગેસ પાઈપ) કોઈ ચોર ચોરી ગયો હતો.
બે દિવસ પછી જ્યારે પરિવાર આવ્યો અને ફ્રીઝર ખોલ્યું ત્યારે ખબર પડી કે મૃતદેહ એકદમ ડિસપોઝ (કોહવાઈ) થઈ ગયો છે અને તેની હાલત જોવાય તેવી નહોતી તેમજ તેમાંથી લોહી પણ બહાર નીકળતું હોવાનું જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, હર્ષદસિંહ ઝાલાએ આ ગંભીર બાબતે સિવિલ હોસ્પિટલના કોઈ પણ અધિકારી કે કર્મચારીનો સંપર્ક કર્યો નહોતો અને હકીકતની કોઈ ખરાઈ પણ કરી નહોતી. આરોપીએ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂૂમ પાસે ઊભા રહી પુરાવા વગરની વાતોનો વીડિયો બનાવી ફેસબુક જેવા પ્લેટફોર્મ પર દુષ્પ્રચાર કર્યો છે. આનાથી પ્રજામાં પેનિક (ભય) ફેલાય અને શાંતિ વ્યવસ્થા બગડી શકે છે. લોકોમાં ડર અને ઘૃણા ફેલાવવાનું કૃત્ય કરવા બદલ આ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ હર્ષદસિંહ ધનશ્યામસિંહ ઝાલા વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 353(1)(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અલબત બાદ માં તેમનો જામીન પર છુટકારો થયો હતો. બનાવ ને પગલે કોંગ્રેસ નાં આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતાં.અને કોંગ્રેસ પ્રદેશ આગેવાનો ને જાણ કરી હતી.આ બબાલ વચ્ચે પોલીસે કોંગી પ્રમુખ સામે ગુન્હો નોંધી દિધો હતો.
