લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026 ની અત્યંત મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું સેમિફાઇનલમાં પહોંચવાનું અને ચેમ્પિયન બનવાનું સ્વપ્ન ફરી એકવાર અધૂરું રહી ગયું છે અને ભારત સત્તાવાર રીતે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.
સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂૂરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે 56 રનની શાનદાર અને લડાયક ઇનિંગ રમીને ટીમનો સ્કોર 170 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે, જવાબમાં 171 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 6 બોલ બાકી રહેતા જ 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસ પેરીએ 56 રન અને એશ્ર્લે ગાર્ડનરે 53 રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમ માટે મેચનો ટર્નિંગ પોઇન્ટ એલિસ પેરી અને એશ્ર્લે ગાર્ડનર વચ્ચેની 100 રનની ભાગીદારી રહ્યો હતો.
એક સમયે ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની 68 રન પર 3 વિકેટ પાડી દીધી હતી અને મેચમાં ભારતની પકડ મજબૂત દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ પેરી અને ગાર્ડનરે બાજી સંભાળી લીધી હતી અને શાનદાર સદીની ભાગીદારી નોંધાવીને ભારત પાસેથી જીત છીનવી લીધી હતી.
આ હાર સાથે જ ભારતીય મહિલા ટીમનો 17 વર્ષનો ટાઇટલ દુષ્કાળ યથાવત રહ્યો છે. મહિલા ટી20 વર્લ્ડ કપની શરૂૂઆત 2009 માં થઈ હતી અને અત્યાર સુધીમાં 10 આવૃત્તિઓ રમાઈ ચૂકી છે, પરંતુ ભારત હજુ સુધી એકપણ વખત વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. ટીમ ઇન્ડિયા માત્ર એક જ વખત ફાઇનલમાં પહોંચી શકી છે, જ્યાં 2020 ના વર્લ્ડ કપ ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયા સામે 85 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
