સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી

નધરોળ તંત્ર માટે જાણીતી સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીપીયુ સિવિલ હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ દાતાઓ તથા સરકાર દ્વારા અપાતી સુવિધાનો પુરો…

નધરોળ તંત્ર માટે જાણીતી સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીપીયુ સિવિલ હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ દાતાઓ તથા સરકાર દ્વારા અપાતી સુવિધાનો પુરો ઉપયોગ થતો ન હોવાથી દર્દીઓને છતી સુવિધાએ સુવિધા મળતી ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

હાલમાં સિવિલ હોસ્પીટલમાં દાખલ થતા ગરીબ દર્દીઓની હેરફેર માટે સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓએ શુભ આશયથી પેટ્રોલ- ડિઝલથી ચાલતી તેમજ ઇ-રીક્ષાઓ આપી છે. પરંતુ સિવિલ હોસ્પીટલના તંત્રને દાનમાં આવેલા આ સાધનોની કોઇ કિંમત જ ન હોય તેમ અડધો ડઝન રીક્ષામાંથી માંડ એક કે બે રીક્ષા ચલાવવામાં આવે છે અને તે પણ દર્દીઓ માટે નહીં પરંતુ હોસ્પિટલના માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે જયારે દર્દીઓને તો ટાંટીયા તોડીને જ જવું પડે છે. જનાના હોસ્પીટલમાં પણ પ્રસુતિ માટે આવતી મહીલાઓ અને નવજાત બાળકોની સુવિધા માટે રીક્ષાઓ આપવામાં આવી છે.

પરંતુ ચારેક રીક્ષાઓ તો સિવિલ હોસ્પીટલના ભોંયરામાં ધુળખાતી છોડી દેવામાં આવી છે. હાલ જે રીણાઓ ચાલુ છે તેનો માલ સામાનની હેરફેર અને ચા-દુધના વિતરણ માટે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઇ અશકત દર્દી રીક્ષા માટે માંગણી કરે તો રીક્ષા નહીં હોવાનો જવાબ આપી દેવામાં આવે છે. રાજય સરકાર સિવિલ હોસ્પીટલમાં દર્દીઓની સારવાર અને સુવિધા માટે દર વર્ષે કરોડો રૂપીયાની ગ્રાન્ટ આપે છે પરંતુ હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિાઓ અને ગ્રાન્ટનો સુચારૂ ઉપયોગ થાય છે કે નહી? તેનું મોનિટરીંગ કરવાની કોઇ વ્યવસ્થા જ ન હોવાથી ‘ઘરની ધોરાજી’ જેવો વહીવટ ચાલી રહ્યો છે ત્યારે રાજય સરકારનું આરોગ્ય વિભાગ સુચારૂ સંચાલન માટે વ્યવસ્થા ઉભી કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *