ઠેર-ઠેર શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા સાથે મહોરમ પર્વ ઉજવાયો: મુસ્લિમો દ્વારા સબીલો, તાજિયા, જુલુસ, ન્યાઝ-લંગર સહિતના કાર્યક્રમો યોજાયા
હજરત ઇમામ હુસેન અને તેમના 72 શહીદોની યાદમાં સૌરાષ્ટ્રભરમાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે કાઢવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રભરમાં નિકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમો અને હિન્દુ ભાઇઓ તાજીયાના દીદાર કરવા પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ તાજીયાના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી.
મોરબી
મોરબી મા આજે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 11 તાજીયા નું ઝુલુશ દરબાર ગઢ ચોક થી નિકળી શહેર ની મુખ્ય બજાર મા ફરી નહેરૂૂ ગેઈટ ચોક મા તમામ તાજીયા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો ની ઉપસ્થિતી મા ઠંડા કરાયા હતા તાજીયા ના ઝુલુશ દરમિયાન મોરબી પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
વાંકાનેર
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે પવિત્ર મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય, જે મુજબ આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હોય, જેમાં ગઇકાલ શનિવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા, જે બાદ આજે બપોરથી મધરાત્રિ સુધી કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી રાત્રીના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ ઉજવણી પુર્ણ કરવામાં આવી હતી.મોહરમ તહેવાર નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર ઈમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હતું.
રાણપુર
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાજીયા ઝુલુસ દરમિયાન પોલીસ પ્રશાસનની પ્રશંસનીય કામગીરી બદલ રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલનું તાજીયા કમિટીના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રાણપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબલીયા ચોરા, કાંકરીયા ચોરા અને દેસાઇ વોરાના ચોરેથી ત્રણ તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું. બેન્ડ, ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે આ તાજીયા શહેરના મુખ્ય બજારોમાંથી પસાર થયા હતા.મોહરમના આ પર્વ દરમિયાન રાણપુરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને મોહરમની ઉજવણી કરે છે, જે ભાઈચારા અને સુંદર કોમી એકતાના દર્શન કરાવે છે.
નિકાવા
કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઇસ્લામી હિજરી વર્ષ 1448ના પવિત્ર મહિના મુહર્રમના અવસરે અશુરાના દિવસે શ્રદ્ધા, અકીદત અને ગમગીન માહોલ વચ્ચે તાજિયા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાઈચારો, એકતા અને કોમી સૌહાર્દનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું.
ગામમાં તાજિયાની ભવ્ય યાત્રા પરંપરાગત રૂૂટ પરથી નીકળી હતી, જેમાં મુસ્લિમ સમાજના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન યા હુસૈન ના નારા સાથે કરબલાના શહીદ, હઝરત ઇમામ હુસૈન (અ.સ.) તથા તેમના વફાદાર સાથીઓની અઝીમ કુર્બાનીને ખિરાજે અકીદત અર્પણ કરવામાં આવી હતી. યાત્રા માર્ગ પર વિવિધ સ્થળોએ અન્ય સમાજના આગેવાનો અને ધર્મપ્રેમી નાગરિકોએ પણ હાજરી આપી સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા તથા જરૂૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો.
ધોરાજી
ધોરાજી શહેરમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી તાજીયાઓ પરંપરાગત રીતે પડમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાના સુંદર દર્શન જોવા મળ્યા હતા.
તાજીયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ તાજીયાના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી. મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોરાજીસિટી પોલીસ પીઆઈ પટેલદ્વારા શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મોટી પાનેલી
ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં આજરોજ મહોરમ તહેવાર નિમિતે કલાત્મક અને ભવ્ય તાજીયા પળમાં આવતા હિન્દૂ આગેવાનો પણ તાજીયાના દીદાર કરવા પહોંચ્યા હતા મોહનનગર વિસ્તારના ક્લાત્મક વિશાળ તાજીયાનું જુલુસ નીકળતા ગ્રામજનો તાજીયાના દર્શન અર્થે પહોંચી તાજીયા સમક્ષ શ્રીફળ અને પડી ચડાવેલ જે હિન્દૂ મુસ્લિમ ભાઈચારા ની ભાવના પ્રગટ કરતા દ્રશ્યો હતા જુલુસ મૉં મુસ્લિમ યુવાનોએ ચોકારા લઇ યા હુસેન ના નારા સાથે કરબલા એ શાહીદોને યાદ કર્યા હતા મસ્જિદ પાસે તાજીયા ના દીદાર માટે ગામના પ્રતિષ્ઠિત હિન્દૂ આગેવાનો સાથે સામાજિક રાજકીય પદાધિકારી ઓ પણ પહોંચ્યા હતા તમામનું મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ સોરા એ સ્વાગત કરી સન્માન કરેલ આ તકે મુસ્લિમ અગ્રણી બાબુભાઇ ડેરીવાળા દ્વારા તાજીયા સમક્ષ હિન્દૂ આગેવાન ની સાકરતુલા કરી માનતા ચડાવી હતી તાજીયાનું જુલુસ બસસ્ટેન્ડ ચોકથી મસ્જિદ થઈને રામ મન્દિર ચોક માંથી આથમણા જાપા સુધી પહોંચેલ આઝાદ ચોકમાં સમસ્ત મુસ્લિમ સમાજના ભાઈઓ એ ચોકારા લઈને પોતાના પૂર્વજોની યાદમાં ઇમામ હુશેન ના કલમાં પઢી માતમ ના દિવસે દાન ધર્માદા ની પ્રણાલી સાથે ગરીબોને અન્ન વસ્ત્રદાન કરી મહોરમની ઉજવણી કરી હતી આ તકે મોટી પાનેલી સાથે આસપાસ ના ગામોના મુસ્લિમ ભાઈઓ બહેનો પણ પહોંચી સાથે પ્રસાદ ભોજન લીધો હતો સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ સોરા એ હિન્દૂ આગેવાનો સહીત તમામનો આભાર વ્યક્ત કરેલ છે.
ઉપલેટા
ઉપલેટામાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમજાન માસ દરમિયાન ગઈકાલે સાંજે ઉપલેટા ના ધોરાજી દરવાજા પાસે મોજ નદીના કાંઠે તાજીયા પળમાં આવ્યા ત્યારની તસવીર.
વડિયા
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવાં વડિયામાં વડિયા વિસ્તાર ના મુસ્લિમ ધર્મના લોકો દ્વારા પણ પવિત્ર મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી. આ પર્વ માં મુસ્લિમ ધર્મના મોલા ઈમામ હુસેન ની શહાદત અને બલિદાન ની યાદ માં ઉજવવામાં આવે છે. વડિયા ના તાજીયા કમિટી અને મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા બનાવેલ કલાત્મક તાજીયા મેદાન મા મુકવામાં આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સરબત ની સબીલો કરેલ હતી આ તાજીયા રાત્રી ના સમયે લોકો એ જિયારત કરેલ હતી જે આજ સાંજે વડિયા ના હજરસા પીર ની દરગાહ થી આખા ગામ માં ફરી ત્રણ દરવાજે ધનડા કરવા માં આવ્યા વડિયા ના વિવિધ વિસ્તારમાં સુની મુસ્લિમ સમાજ આસીકે એહલેબત કમિટી, શહીદે કરબલા કમિટી દ્વારા અલગ અલગ કમિટી દ્વારા બનવવામાં આવેલ થર્મોકોલ અને અન્ય વસ્તુ ઓ માંથી બનાવેલ દરગાહ અને મકબરાની ડિજાઇન લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની ગયું હતું જેને જોવા દૂર દૂર થી લોકો વડિયા ખાતે પોહચિયા હતા અને વડિયા ની મુખ્ય બજારમાં તાજીયાનુ જુલુસ નીકળ્યું હતુ જેના દર્શન માટે હિન્દૂ ધર્મના લોકો પણ જોડાતા જોવા મળ્યા હતા.
સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સિપાહી જમાત, નેરડી વિસ્તાર, ખાટકીવાડ, મણિનગર, બગદાદ નગર, સંધિચોક સહિતના તાજીયાઓ નીકળે છે આકર્ષક ને કલાત્મક તાજીયા મુસ્લિમ વિસ્તારોમાં ફરે છે ને મુસ્લિમ બિરાદરો ઢોલ પર ચોકારો અને હુંલ રમે છે જ્યારે કોમી એકતાની ઉમદા મિસાલ અમરેલી જિલ્લાભરમાં જોવા મળે છે મુસ્લિમોના મહોરમ પર્વમાં હઝરત ઈમામે હુસૈન 72 શહીદો સાથે કરબલાના મેદાનમાં શહાદત મેળવી તેની યાદમાં મહોરમ નું પર્વ અમરેલી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉજવાઈ છે ને મુસ્લિમો દ્વારા મહોરમની ઉજવણી તાજીયા ઓ શહેરના માર્ગો પર ફરે છે ને હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ભાવનાઓ ઉજ્જવળ થાય છે ત્યારે એસપી સંજય ખરાતે મુસ્લિમોના શહાદતના પર્વ મહોરમ પર વ્યક્તવ્ય આપ્યું હતું ને એક નાત શરીફ પણ સાંભળી હતી.
જામખંભાળીયા
ખંભાળિયા શહેરમાં ગુરુવારે રાત્રિના મુસ્લિમ સમાજના જુદા જુદા આઠ કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા. જે ગઈકાલે મોડી સાંજે ટાઢા કરાયા હતા. ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાંદાણી જમાત, મકરાણી જમાત, પિંજારા જમાત, માજોઠી જમાત, મકરાણી જમાત, સંધી જમાત, કુરેશી જમાત, પઠાણી જમાતના કુલ 8 જેટલા કલાત્મક તાજીયાઓ ગુરુવારે રાત્રે આકર્ષક રોશનીસભર માહોલમાં પડમાં આવ્યા હતા. શુક્રવારે સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ ભાઈઓ પણ દર્શન કરવા આવ્યા હતા અને નાળિયેર વધેર્યા હતા. આ સાથે મુસ્લિમ વસ્તી ધરાવતા ખંભાળિયા તાલુકાના સલાયા, વાડીનાર, આંબલા, કોટા સહિતના જુદા જુદા ગામોમાં પણ તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું. આજે મોડી સાંજે તાજીયા ટાઢા કરાયા હતા.
