વિશ્ર્વ હિંદુ પરિષદના અધ્યક્ષના જણાવ્યા મુજબ સરકારી સંચાલનનો અનુભવ સારો રહ્યો નથી; સીઇઓની નિમણૂક માટે હિમાયત
અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાનના કથિત દુરુપયોગને લગતા વિવાદ વચ્ચે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પ્રમુખ આલોક કુમારે આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે ભક્તો દ્વારા આપવામાં આવતા દાનને સુરક્ષિત રાખવા માટે કડક જવાબદારી અને મજબૂત વહીવટી વ્યવસ્થાની પણ હાકલ કરી છે. આલોક કુમારે જણાવ્યું હતું કે તાત્કાલિક પ્રાથમિકતા નોંધાયેલ FIR ની નિષ્પક્ષ અને ઝડપી તપાસ છે, જેથી ખાતરી થાય કે દોષિત કોઈપણને કાયદા અનુસાર સજા મળે. ઇસ્કોન, અક્ષરધામ અને ઝાંડેવાલન જેવા મંદિરોના મેનેજમેન્ટ મોડેલનો ઉલ્લેખ કરતા, કુમારે ટિપ્પણી કરી કે મંદિરોના સરકારી સંચાલન સાથેના ભૂતકાળના અનુભવો સકારાત્મક રહ્યા નથી.
મંદિરોના સરકારી સંચાલન અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું, “મંદિરોના સરકારી સંચાલન સાથેના અમારા અનુભવો સારા રહ્યા નથી. જરૂૂરિયાત ફક્ત મેનેજમેન્ટ બદલવાની નથી, પરંતુ એવી સિસ્ટમ વિકસાવવાની છે
જે કોઈપણ અનિયમિતતાને અટકાવે.” ખાનગી ધાર્મિક સંગઠનો દ્વારા સંચાલિત મંદિરોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું કે BAPS, ISKCON અને દિલ્હીના ઝાંડેવાલન મંદિર જેવી સંસ્થાઓએ અસરકારક વહીવટના ઉદાહરણો સ્થાપિત કર્યા છે.
આલોક કુમારે સૂચન કર્યું કે રામ મંદિર ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક, અધિકારનું યોગ્ય રીતે વિકેન્દ્રીકરણ અને દૈનિક કામગીરી માટે વ્યાવસાયિક વહીવટી માળખું વિકસાવવાનું વિચારવું જોઈએ. જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટ્રસ્ટમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી છે, ત્યારે તેમણે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે ટ્રસ્ટીઓના કાર્યક્ષેત્રમાં આવે છે.
તેમણે ભાર મૂક્યો કે મંદિર વહીવટીતંત્રમાં સ્પષ્ટ કાર્યકારી પ્રક્રિયાઓ, આધુનિક ટેકનોલોજી અને અસરકારક દેખરેખ પદ્ધતિ હોવી જોઈએ જેથી ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ દરેક રૂૂપિયા સુરક્ષિત રહે અને તેનો સચોટ હિસાબ થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા, ભક્તો માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને દાન ભંડોળનું રક્ષણ કરવા માટે સ્થાપિત પ્રક્રિયાઓ, યોગ્ય સાધનો અને ટેકનોલોજી અને એક મજબૂત વહીવટી માળખું હોવું જોઈએ.
અયોધ્યા દાન-ચોરી: નોટોના બંડલ સાથે 900 ડોલરની ઉઠાંતરી: 79 લાખની રિકવરી
રામલલાના મુખ્ય દાન પાત્રમાંથી કરોડો રૂૂપિયાની ચોરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચઢાવામાં ધાડ પાડનારી ટોળકી વિરુદ્ધ પોલીસ અને એસઆઈટીની સંયુક્ત ટીમે અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે જેલમાં મોકલેલા આઠ આરોપીઓમાંથી સાત લોકો પાસેથી મોટી માત્રામાં ભારતીય નોટોની સાથે સાથે વિદેશી કરન્સી પણ જપ્ત કરી છે. અયોધ્યા પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, જેલમાં મોકલવામાં આવેલા આઠ આરોપીઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે 7 આરોપીઓના ઠેકાણેથી કુલ 79 લાખ 85 હજાર રૂૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. તેનાથી વધારે ચોંકાવનારી વાત એ છે કે આ આરોપીઓ પાસેથી 900 વિદેશી અમેરિકી ડોલર પણ જપ્ત થયા છે. આ વિદેશી મુદ્રા રામલલાના એ વિદેશી અને અપ્રવાસી ભારતીય ભક્તોની હતી, જેમણે દાનપુણ્ય કર્યું હતું. અયોધ્યા પોલીસે તમામ આઠ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં મોકલી દીધા છે. એસઆઈટી હવે આ આરોપીઓના બેન્ક અકાઉન્ટ, સંપત્તિઓ અને તેમના દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં કરવામાં આવેલી શંકાસ્પદ લેવડ-દેવડની તપાસ થઈ રહી છે.
