શાપરમાં લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો સકંજામાં

શાપર (વેરાવળ)માં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની લૂંટના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઘટનાના સપ્તાહમાં…

શાપર (વેરાવળ)માં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની લૂંટના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઘટનાના સપ્તાહમાં ખાસ ઓપરેશન હાથ ધરીને આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી લૂંટ કેસમાં પોલીસે પરપ્રાંતીય કનેક્શન શોધી કાઢીને મધ્યપ્રદેશ ના ત્રણ શખસોને પોતાની સકંજામાં લીધા છે, જ્યારે લૂંટનો મુખ્ય સૂત્રધાર અને અન્ય 10 જેટલા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ જિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ઘટનાની રાત્રે ઘરમાં એકલા જ હતા, કારણ કે તેમના પત્ની કોઈ હોસ્પિટલના કામ અર્થે બહાર ગયા હતા. આ તકનો લાભ ઉઠાવીને મધ્યરાત્રિએ મોઢે બુકાની બાંધેલા પાંચ અજ્ઞાત લૂંટારુઓ તીક્ષ્ણ હથિયારો સાથે મકાનની પાછળનો ભાગ તોડીને અંદર ઘૂસી ગયા હતા. બારણું તૂટવાનો અવાજ આવતા જિતેન્દ્રસિંહ ઊંઘમાંથી જાગી ગયા હતા, પરંતુ આ લૂંટારુ ટોળકીએ એકલા રહેલા વૃદ્ધ પર ઘાતકી હુમલો કરી દીધો હતો. લૂંટારુઓએ તેમના ઉપર પાઇપ વીંઝી, મોઢું બંધ કરીને સૂતેલી હાલતમાં જ દબાવી દીધા હતા અને જો તેઓ અવાજ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બુકાનીધારી ટોળકી ઘરમાંથી મોટી માત્રામાં રોકડ, સોના-ચાંદીના દાગીના અને હથિયાર સહિત કુલ રૂૂ. 2.50 કરોડની ચકચારી લૂંટ ચલાવીને નાસી ગઈ હતી. એટલું જ નહીં, લૂંટ આચર્યા બાદ ટોળકીએ વૃદ્ધની સોસાયટીમાંથી જ ત્રણ મોટરસાયકલ પણ ચોરી લીધી હતી, જેમાંથી એક બાઇક નજીકમાંથી જ મળી આવી હતી.

પોલીસ તપાસ અને સીસીટીવી કડી: આ લૂંટની ઘટના અંગે જાણ થતાં જ રેન્જ ડીઆઈજીની સુચનાથી પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયો હતો અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા દોડધામ શરૂૂ કરી હતી. જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જર દ્વારા લૂંટારુ ટોળકીને ઝડપી લેવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહાર તપાસના આદેશો જારી કરાયા હતા. તપાસ દરમિયાન કાંગસિયાળી અને ઢોલરા ગામની વચ્ચે આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી. ફૂટેજમાં બે બાઇક પર સવાર થઈને છ શખસો મોટી બેગ સાથે નીકળતા કેદ થયા હતા.

આ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે એલસીબી પીઆઈ રાવ સહિતની ટીમે બાતમીદારોની મદદથી મધ્યપ્રદેશના ત્રણ શખસોને શંકાસ્પદ હાલતમાં ઉઠાવી લીધા હતા. પોલીસની આકરી પૂછપરછ દરમિયાન આ શખસોએ શાપરમાં વૃદ્ધને બંધક બનાવીને કરોડોની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી લીધી છે. જોકે, પકડાયેલા આરોપીઓએ એવી રટણ કરી છે કે તેમની સાથેનો મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય 10 શખસોની સંડોવણી ખુલતા અને લુંટનો તમામ માલ લઈને અન્ય શખ્સો નાસી છૂટ્યા છે. આથી પોલીસે હવે ગુનામાં સામેલ બાકીના લૂંટારુઓને પકડી પાડવા અને લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે ખાસ કવાયત અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *