માણાવદર-વંથલી રોડ પર સ્મશાન નજીક આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટીગા કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રસ્તા પર ઉભેલી જેસીબી અને એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માણાવદરના ભુમીનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય સોહીલશા સલીમશા સર્વદી પોતાની અર્ટીગા ફોર વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો. બપોરના સમયે માણાવદર-વંથલી રોડ પર સ્મશાન પાસેથી પસાર થતી વખતે કાર અતિશય ઝડપે અને ગફલતભરી રીતે ચાલતી હોવાને કારણે સોહીલશાએ સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
કાબુ બહાર ગયેલી કારે રસ્તા પાસે પડેલા જે.સી.બી. મશીન અને એક એક્ટિવા સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સોહીલશાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે કારમાં સવાર 19 વર્ષીય યુવક સમદ ગફારભાઈ સમાને પણ શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી.
આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવક સમદ સમાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ હેડ કોન્સ્ટેબલ બી. બી. ઓડેદરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
માણાવદર પોલીસે આ મામલે મૃતક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 106(1) (ગફલતભર્યા ડ્રાઇવિંગથી મોત નીપજાવવું), 281, 125(એ) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
