જૂનાગઢના બે ભાઈઓની છેતરપિંડીનો ભોગ બનેલા ધોરાજીના વેપારીનો આપઘાત

ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક વેપારી પ્લોટ અને મકાનના વેચાણના રૂૂપિયા નહી આપી જુનાગઢના બે ભાઈઓએ છેતરપિંડી કરીને સતત અપાતી જાનથી મારી નાખવાની ધમકીઓથી…

ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક વેપારી પ્લોટ અને મકાનના વેચાણના રૂૂપિયા નહી આપી જુનાગઢના બે ભાઈઓએ છેતરપિંડી કરીને સતત અપાતી જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ સમગ્ર મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં બન્ને ભાઈઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ધોરાજીના ચલુવાડી સ્વાતી ચોકમાં રહેતા જયશ્રીબેન સચીનભાઈ ભદ્રેસરાએ જુનાગઢના રહેવાસી બે શખ્સો પ્રવીણ મસાલીયા અને હર્ષદભાઈ મસાલીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પતિ સચીનભાઈ વિનોદભાઇ ભદ્રેસરા (ઉ.વ. 46) તોરાણીયા ગામે આવેલા તેમના જુના મકાને અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. સચીનભાઈએ વર્ષ 2011માં જુનાગઢ ખાતે ખામધોલ રોડ પર આવેલો પોતાનો પ્લોટ પ્રવીણ મસાલીયાને 21 લાખ રૂૂપિયામાં આપ્યો હતો. તે જ રીતે વર્ષ 2020માં જુનાગઢના સ્વસ્તિક નગરમાં આવેલું મકાન હર્ષદભાઈ મસાલીયાને 9.50 લાખ રૂૂપિયામાં વેચાણથી આપ્યું બંને ભાઈઓ પાસેથી કુલ રૂૂપિયા 30,50,000 લેવાના નીકળતા હતા. પરંતુ આરોપીઓએ વર્ષો વીતવા છતાં આ રકમ ચૂકવી ન હતી અને છેતરપિંડી આચરી હતી. જ્યારે પણ સચીનભાઈ પોતાના હકના નાણાંની માંગણી કરતા, ત્યારે આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી મોં બંધ રાખવા દબાણ કરતા હતા.

ગઈકાલે 23 જૂન 2026ના રોજ સચીનભાઈ તોરાણીયા ગામે ઘંટીએ ગયા બાદ સાંજના સમયે જુના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોરાજી પોલીસને તપાસ કરતા મૃતક સચીનભાઈના પેન્ટના ખિસ્સામાંથી પોતાના હાથે લખેલી એક સનસનાટીભરી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં મૃતકે લખ્યું હતું: “આ લોકોથી કંટાળીને હું મારું જીવન ટૂંકાવું છું… આ લોકોએ બીજા ઘણા બધા લોકો સાથે પણ આવા કામ કરેલ છે… 15 વર્ષથી મને શાંતિથી રોટલો ખાવા નથી દીધો અને અવારનવાર ધમકી આપે છે.” મૃતકે ચિઠ્ઠીમાં બંને આરોપીઓના મોબાઈલ નંબર સાથે સ્પષ્ટ લખ્યું હતું કે આ બંને લોકો ફ્રોડ છે અને તેમને કડક સજા મળવી જોઈએ.

આ ચકચારી આત્મહત્યાના મામલાની ગંભીરતાને જોતા ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનાની આગળની તપાસ હવે ધોરાજી તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.આઈ એમ.એમ. ઠાકોર ચલાવી રહ્યા છે. આર્થિક છેતરપિંડી અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના આ કિસ્સામાં પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે જુનાગઢ ખાતે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *