જામનગરની પેઢી સાથે ગાંધીધામની કંપનીએ 20.56 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ

જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવમાં જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે…

જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવમાં જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે ગાંધીધામ સ્થિત એક કંપનીના ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, જામનગરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપની સાથે સંકળાયેલા નગરના પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગાંધીધામ કચ્છ ની મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી પ્રા.લિ.ના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરીએ તેમની કંપની પાસેથી બાર્જ, ટગ ભાડે આપવા સહિતની વિવિધ સ્ટીવડોરિંગ સેવાઓ લીધી હતી.

આ સેવાઓના બદલામાં ચૂકવવાના રૂ. 2,56,72,440 બાકી રાખ્યા હતા. ઉપરાંત સિદ્ધિ મરીન સર્વિસિસ એલએલપી પાસેથી લેવામાં આવેલી સેવાઓના રૂ. 13,73,17,687 તેમજ નરોત્તમકા કોમોડિટીઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી લેવામાં આવેલી લોન અને તેના વ્યાજની રૂ. 4,26,95,257 ની રકમ પણ ચુકવવામાં આવી નહોતી.

આ રીતે કુલ રૂ. 20,56,85,384 ની રકમ ન ચૂકવી ફરિયાદીની કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રોળ નજીક દેડકદડ ગામમાં હાર્ટ એટેક આવતાં ખેડૂત બુઝુર્ગનું મૃત્યુ
ધ્રોલ તાલુકાના દેડકદડ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતી કામ દરમિયાન એક બુઝુર્ગનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ દેડકદડ ગામના રહેવાસી મુળજીભાઈ નરશીભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ. 65) રાજેન્દ્રસિંહ જાડેજાની ખેતીની જમીનમાં મજૂરી કામ કરતા હતા. દરમિયાન તા. 22 જૂનના રોજ રાત્રે 10.00 વાગ્યા અગાઉ કોઈપણ સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પુત્ર રઘુભાઈ મુળજીભાઈ ઝીંઝુવાડીયાએ ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં એક શ્રમિકનું મૃત્યુ
કાલાવડ તાલુકાના ટોડા ગામે એક શ્રમિકનું કૂવામાં પડી જતાં અકસ્માતે મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. મૂળ દાહોદ જિલ્લાના ભુવેરા ગામના અને હાલ ટોડા ગામે ખેતીમજૂરી કરતા દસુભાઈ બીજ્યાભાઈ પરમાર (ઉંમર 40 વર્ષ)નું મૃત્યુ થયું હતું. તેમના ભાઈ મુકેશભાઈ બીજ્યાભાઈ પરમારે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દસુભાઈને છેલ્લા ચાર વર્ષથી વાઇ આવવાની તકલીફ હતી. બનાવના દિવસે સવારે તેમને વાઇનો હુમલો આવતાં નજીક આવેલા કૂવામાં પડી ગયા હતા. જેના કારણે માથાના ભાગે ગંભીર અઇજા પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાલાવડ ગ્રામ્ય પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માત મૃત્યુ અંગે નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *