ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણના નામે ચાલી રહેલી લુંટ અને કૌભાંડો સામે કોંગ્રેસે શરૂ કરેલી ‘છાત્ર ગુંજ’ ઝુંબેશના ભાગરૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂૂરિયાત ઊભી થઈ છે. આજે દેશમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોનો સાક્ષી છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે 88 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડ અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી.
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનો માનવામાં આવે છે, જે કેન્દ્રીય સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેકગણો વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે. દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.
રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.
વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
