ગોંડલના ગામે કિંમતી સરકારી ખરાબાની જમીન પર અનઅધિકૃત રીતે પાકી દીવાલનું ફેન્સિંગ કરી જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ વિરૂૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. મામલતદાર દ્વારા સરકારી જમીન ખુલ્લી કરાવવા છતાં પણ દબાણ ચાલુ રાખવામાં આવતા આખરે જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયના આધારે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.
આ કેસની વિગત એવી છે કે ગોંડલ તાલુકાના અનીડા ગામે રેવન્યુ સર્વે નંબર 46 જેનો ખાતા નંબર 539 અને કુલ ક્ષેત્રફળ હેક્ટર 1-98-36 ચોરસ મીટર છે. તે સરકાર’ હસ્તકની ખરાબાની જમીન આવેલી છે. શિવરાજગઢ ગામના રહેવાસી દિક્ષિતભાઈ પીપળીયા નામના શખ્સે આ સરકારી જમીનમાંથી આશરે 300 ચોરસ મીટર જેટલા ભાગ પર પાકી દીવાલનું ફેન્સિંગ કરી દીધું હતું. આ આખી જમીનનો ગેરકાયદેસર કબજો મેળવી, તેનો બિનખેતી વિષયક હેતુઓ માટે મનસ્વી રીતે ઉપયોગ શરૂૂ કરી દેવામાં આવ્યો હતો.
આ દબાણ અંગે નાયબ મામલતદાર દ્વારા અગાઉ વિગતવાર દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેના આધારે જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ પેદકમી કેસ ચલાવવામાં આવ્યો હતો. મામલતદાર કોર્ટ દ્વારા સામાવાળાને રૂૂબરૂૂ સાંભળીને નોટિસ આપવામાં આવી હતી અને સરકારી જમીન પરનું દબાણ સાબિત થતાં સામાવાળાને રૂૂપિયા એક હજાર પાંચસોનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ જમીન સ્વખર્ચે ખુલ્લી કરવા હુકમ કરાયો હતો. જો કે, આ હુકમ બાદ પણ દબાણકર્તાએ જમીન ખાલી કરવાને બદલે ગેરકાયદેસર કબજો યથાવત રાખ્યો હતો. ત્યારબાદ જમીન મહેસૂલ કાયદાની કલમ-202 હેઠળ ફરીથી નોટિસ આપી 7 દિવસમાં દબાણ હટાવવા જણાવાયું હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું.
જમીન ઉપર કબજો કરનારને વારંવારની સૂચનાઓ અને નોટિસોની અવગણના કરવામાં આવતા, ગોંડલ મામલતદાર કચેરી દ્વારા આ મામલે સ્યુમોટો પગલાં લેવા માટેની દરખાસ્ત પ્રાંત અધિકારી મારફતે રાજકોટ કલેક્ટરને મોકલવામાં આવી હતી. ગત તારીખ 18 મે, 2026 ના રોજ મળેલી જિલ્લા કક્ષાની લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ, જમીન પચાવી પાડનાર શખ્સ વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો મંજૂરી આદેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર કચેરીના આદેશ અન્વયે ગોંડલના મામલતદાર આર. બી. ડોડીયાએ પોતે સરકાર તરફે ફરિયાદી બની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
