થાનગઢમાં રાજકોટની ANTFની ટીમનો દરોડો, રૂા.7.87 લાખના પોશડોડા સાથે ચાર પકડાયા

  રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ…

 

રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂૂ. 7,87,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ, ANTF રાજકોટ ઝોનની ટીમના પીઆઈ જે.જે.ચૌહાણની ચોક્કસ બાતમીના આધારે થાનગઢ રેલ્વે સ્ટેશન નજીક, સ્મશાન પાસે, મસાણી મેલડી માતાના મંદિર સામે આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ દુકાન પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપીઓ પોશડોડાનો ગેરકાયદેસર જથ્થો હેરફેર કરતા મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દાલસિંગ પારગીએ અન્ય આરોપીઓને આ જથ્થો આગળ પહોંચાડવા માટે આપ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ દાલસિંગ પારગી (ઉંમર 21, રહે. તાંદલાદરા, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ), પુષ્પા દાલસિંગ પારંગી (ઉંમર 45, રહે. તાંદલાદરા, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ), દાલસિંગ પારગી (રહે. તાંદલાદરા, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ) અને ખીમાભાઈ વાલજીભાઈ સાપરા (કોળી) (ઉંમર 54, રહે. ગુંદાળા, વાંકાનેર, મોરબી) નો સમાવેશ થાય છે. એક અન્ય આરોપી સોમભાઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે.

પોલીસે સ્થળ પરથી 51 કિલો 500 ગ્રામ ગેરકાયદેસર પોશડોડાનો જથ્થો, જેની કિંમત રૂૂ. 7,72,500 છે, તેમજ બે મોબાઈલ ફોન (કિંમત રૂૂ. 15,000) સહિત કુલ રૂૂ. 7,87,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમ 8(ઈ), 15(ઈ) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *