મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને…

ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા

મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી એકથી બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી આગળ વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી છે.

હાલમાં ચોમાસું દેશના આશરે 19 રાજ્યો સુધી પહોંચી ગયું છે, જોકે ઉત્તર પ્રદેશ અને બિહારની સરહદ નજીક તેની ગતિ થોડા દિવસોથી ધીમી પડી હતી. હવે 23 જૂન બાદ ચોમાસું ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તેલંગાણાના વધુ વિસ્તારોમાં આગળ વધવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ માટે IMD દ્વારા લાલ અને નારંગી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બીજી તરફ, દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર પ્રદેશના બાંદા શહેરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે વિદર્ભ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહી શકે છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હાલ હવામાન સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનના સામાન્ય પેટર્ન મુજબ મુંબઈમાં ચોમાસું સક્રિય બન્યા બાદ થોડા જ દિવસોમાં તેની અસર ગુજરાત સુધી પહોંચી જાય છે. સામાન્ય રીતે 3થી 4 દિવસના ગાળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામે છે. અરબી સમુદ્રમાં સર્જાતી હવામાન પ્રણાલીઓ અને અનુકૂળ પવનોના કારણે ચોમાસાની પ્રગતિ વધુ ઝડપી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *