રાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડ

પડધરી તાલુકાના ન્યારા ગામે જૂની અદાવતનો ખાર રાખીને બે યુવકો ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં…

પડધરી તાલુકાના ન્યારા ગામે જૂની અદાવતનો ખાર રાખીને બે યુવકો ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં કુલ 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત આંબેડકર નગરમાં રહેતા 19 વર્ષીય પૃથ્વીભાઈ હેમંતભાઈ પરમારની ફરિયાદના આધારે ન્યારા ગામના રહેવાસી અરવિંદ ઉર્ફે આર્યન કેશુભાઈ વઘેરા, આર્યન વિનોદભાઈ વઘેરા, કેશુભાઈ વઘેરા, અમિતભાઈ અરજણભાઈ વઘેરા, અનિલભાઈ અરજણભાઈ વઘેરા, અને અરજણભાઈ વઘેરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પૃથ્વી ગત 11 જૂન 2026ના રોજ રાત્રિના આશરે બાર વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સમીરભાઈ નિરૂૂભાઈ ગોહેલ સાથે મોટરસાઇકલ જીજે -03-એમએ-3589 લઇ ન્યારા ગામે ગયા હતા. ન્યારા ગામે બજરંગ પાન પાસેથી પસાર થતી વખતે ત્યાં અગાઉથી હાજર આરોપીઓએ તેઓને જોઈ લીધા હતા અને સ્વિફ્ટ કાર તથા એકસેસ મોટરસાઇકલ પર તેમનો પીછો કર્યો હતો. બન્ને મિત્રો પોતાનો જીવ બચાવવા ખંભાળા ગામ તરફ ભાગ્યા હતા, પરંતુ ખંભાળા રોડ પર મેલડી માતાના મંદિરના ગેટ પાસે આરોપીઓએ તેમને આંતરી લીધા હતા. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી, ઘાતક હથિયારો ધારણ કરી બન્ને યુવકો પર તૂટી પડ્યા હતા. જેમાં પૃથ્વીભાઈ અને સમીરભાઈને ઢીકાપાટુનો મુઢ માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બન્ને યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી અને તેમના બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

બન્ને મિત્રો ત્યાંથી જેમતેમ કરીને નાસી છૂટ્યા હતા, જેમાં ઈજાગ્રસ્ત સમીરભાઈને રાજકોટની આસ્થા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હુમલા પાછળનું કારણ ફરિયાદી પૃથ્વીભાઈના જણાવ્યા અનુસાર, ગત 29 એપ્રિલ 2026ના રોજ ન્યારા ગામે એક મારામારીની ઘટના બની હતી, જેમાં તેઓ સામેલ ન હોવા છતાં તેમનું નામ ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું. આ બાબતે તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવાથી, હુમલાખોરોએ તેનો ખાર રાખીને આ જીવલેણ હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *