અમરેલી જિલ્લાના રાજુલા શહેર નજીક આવેલા બાયપાસ રોડ પર મોડી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાત્રા પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી રહેલા શિયાળબેટ ગામના પરિવારજનોને લઈ જતી તુફાન ગાડી અચાનક નિયંત્રણ ગુમાવી રસ્તા કિનારે આવેલા વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તેમજ રાજુલા બાયપાસ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ 108 ઇમરજન્સી સેવા ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. તે દરમિયાન મોહરમના કાર્યક્રમોને અનુલક્ષીને મજલિસમાં હાજર રહેલા મુસ્લિમ સમાજના યુવાનોને અકસ્માતના સમાચાર મળતા તેઓ પણ માનવતાની ભાવના સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં કુલ 18 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાંથી 10 જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો શિયાળબેટ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિઓ અને તેમની ટીમ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, જ્યારે પોલીસ, 108 ટીમ અને મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલી ત્વરિત કામગીરી અને માનવતાભરી મદદની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
