ગોંડલના ખીમોરી તળાવામાં નાહવા પડેલા 26 વર્ષિય યુવાનનું મોત

ગોંડલના પ્રખ્યાત ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા એક 26 વર્ષના આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાને રસ્તામાં દમ…

ગોંડલના પ્રખ્યાત ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા એક 26 વર્ષના આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાને રસ્તામાં દમ તોડી દેતા હોસ્પિટલ પરિસરમાં પરિવારના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, ગોંડલના ખોડિયાર નગર નાલા પાસે રહેતો 26 વર્ષીય યુવાન હેમસીયા અતુલ ભૂપતભાઈ બપોરના સમયે ખીમોરી તળાવમાં ન્હાવા માટે ગયો હતો. ન્હાતી વખતે અચાનક જ અતુલભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને ડૂબવા માંડ્યા હતા. આ દરમિયાન પસાર થઈ રહેલા ભગવતપરાના વિનોદ મનસુખભાઈ સોલંકીની નજર ડૂબતા અતુલ પર પડી હતી.

વિનોદભાઈએ ભારે જહેમત બાદ અતુલને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેના પરિવારને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા યુવાનને તુરંત જ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અતુલની હાલત વધુ ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ તેને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ રીફર કર્યો હતો. પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. રાજકોટ પહોંચે અને વધુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં અતુલભાઈએ દમ તોડી દીધો હતો. યુવાનના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *