સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો કોંગ્રેસનો આરોપ

સુરતની પ્રસિદ્ધ સહકારી સંસ્થા સુમુલ ડેરીમાં અંદાજે ₹1000 કરોડના વ્યાપક કૌભાંડના આરોપો સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ ટૂંક સમયમાં મીડિયા…

સુરતની પ્રસિદ્ધ સહકારી સંસ્થા સુમુલ ડેરીમાં અંદાજે ₹1000 કરોડના વ્યાપક કૌભાંડના આરોપો સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ વિગતવાર ખુલાસો કરવાની જાહેરાત કરી છે. આ મામલે સુમુલ ડેરીની આગામી વ્યવસ્થાપન સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તાવાર પેનલ મેદાનમાં ઉતારી છે, જેની આગેવાની તુષાર ચૌધરી સ્વયં કરશે.

તુષાર ચૌધરી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ આરોપ મૂક્યો છે કે છેલ્લા એક દાયકાથી ભાજપના પ્રભાવ હેઠળ ચાલતી સુમુલ ડેરીમાં અનેક અનિયમિતતાઓ થઈ છે. મુખ્ય આરોપોમાં જમીન સબસીડીના દુરુપયોગ, ડેરી પાર્લરોની અનુચિત ફાળવણી, ખોટા પશુઓ દર્શાવીને મેડિસિન સ્કેમ અને બાજીપરાની ₹20 કરોડની દાણ (ફીડ) ફેક્ટરીમાં ટેન્ડર કરતાં વધુ ₹17 કરોડનો અતિરિક્ત ખર્ચ સામેલ છે.

સુમુલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ₹4500 કરોડથી વધુ છે. છેલ્લા એક વર્ષથી તેનું વહીવટ કસ્ટોડિયન (વહીવટદાર) શાસન હેઠળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના આરોપો અનુસાર, આ સમયગાળા દરમિયાન પણ અનેક અનિયમિતતાઓના પુરાવા સામે આવ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસની સક્રિય ભાગીદારીથી દક્ષિણ ગુજરાતની રાજકીય ખેંચતાણ વધી છે.

તુષાર ચૌધરીએ કહ્યું કે, પશુપાલકો અને ડેરી સાથે જોડાયેલા લાખો લોકોના હિતમાં અમે આ કૌભાંડોનો પર્દાફાશ કરીશું. સુમુલ જેવી સંસ્થાઓને રાજકીય દબાણમાંથી મુક્ત કરવી જરૂૂરી છે. કોંગ્રેસે ચૂંટણી પેનલ જાહેર કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ સુમુલના વહીવટમાં પરિવર્તન લાવવા માંગે છે. આ મામલે ભાજપ તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. સુમુલ ડેરીની ચૂંટણી આ વર્ષે ભારે ચર્ચામાં રહેવાની સંભાવના છે. વધુ વિગતો અને પુરાવા સાથે તુષાર ચૌધરીનો મીડિયા સંબોધન ટૂંક સમયમાં થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *