દેરાસરમાં 43 લાખની ચોરીમાં ઓફિસબોય સહિત 3 ઝડપાયા

વૈભવી જીવન અને મોજ શોખ માટે ચોરીને અંજામ આપ્યો, રૂા.33.88 લાખનો મુદ્દામાલ કબજે શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરમાં સ્થિત એક જૈન દેરાસરમાં તાજેતરમાં થયેલી…

વૈભવી જીવન અને મોજ શોખ માટે ચોરીને અંજામ આપ્યો, રૂા.33.88 લાખનો મુદ્દામાલ કબજે

શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરમાં સ્થિત એક જૈન દેરાસરમાં તાજેતરમાં થયેલી રૂૂ.43.29 લાખની ચોરીની ઘટનામાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ આ ગુનાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ચોરીના કેસમાં દેરાસરના જ એક કર્મચારી એવા ઓફિસબોય સહિત કુલ ત્રણની ધરપકડ કરી રૂૂ.33.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોતાના મોજ-શોખ અને વૈભવી જીવનશૈલી પૂરી કરવા માટે દેરાસરના કર્મચારી અને તેના બે મિત્રોએ આ ચોરીને અંજામ આપ્યો હતો.

ઘટનાની મળતી વિગત મુજબ વર્ધમાનનગરના જૈન દેરાસરની ઓફિસમાં આવેલા સ્ટ્રોંગ રૂૂમના કબાટના ખાનામાંથી અજાણ્યા તસ્કરોએ ચાંદીના ચોરસા, ચાંદીના સિક્કા અને ચાંદીની થાળી મળી અંદાજે 13.840 કિલોગ્રામ ચાંદીની વસ્તુઓ (જેની કિંમત રૂૂ. 35.29 લાખ) તેમજ રૂૂ. 8 લાખની રોકડ રકમ, એમ કુલ મળીને રૂૂ. 43.29 લાખની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ દેરાસરના 71 વર્ષીય ટ્રસ્ટી હિંમતભાઈ શાહ (રહે. શ્રોફ રોડ) દ્વારા ગત તારીખ 7 ના રોજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. વાઢીયા તથા પીએસઆઈ એસ.એમ. રાણા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર એવા ઓફિસબોય તન્નુ ભગવતીપ્રસાદ આમેટા (ઉં.વ. 24, રહે. જૈન દેરાસર, મૂળ રાજસ્થાન) ને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછના આધારે તેના અન્ય બે મિત્રો આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામ (ઉં.વ. 21) ની ઉત્તરાખંડથી અને સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ. 28) ની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઓફિસબોય તન્નુ દેરાસરમાં જ રહેતો હોવાથી તેને તમામ કિંમતી વસ્તુઓની જાણ હતી. તે અવારનવાર અલગ-અલગ સમયે દેરાસરમાંથી ચાંદીની ચોરી કરતો હતો અને ચોરેલો માલ પોતાના મિત્રો આદિત્ય અને સંદીપસિંહને પહોંચાડતો હતો. આ બંને મિત્રો કમિશન લઈને તે ચાંદી બજારમાં વેચી નાખતા હતા. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ પોતાના મોજ-શોખ અને વૈભવી જીવનશૈલી પૂરી કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ. 28.88 લાખની કિંમતની 11.326 કિલોગ્રામ ચાંદી અને રૂૂ. 5 લાખની રોકડ રકમ સહિત કુલ રૂૂ. 33.88 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આગળની તપાસ શરૂૂ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેસ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, એસીબી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ-ડીવીઝનના પી.આઈ જે.વી.વાઢિયા સાથે પીએસઆઈ એસ.એમ.રાણા તથા એસ.આર.ચાવડા, એ.એસ.આઇ. ભરતસિંહ ગોહિલ, કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઈ માવદીયા, મહેશભાઈ ચાવડા, કનુભાઇ બસીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ પરમાર, ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેરસ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *