હિમાચલ પ્રદેશમાં મધરાત્રે બોલેરો ખીણમાં ખાબકતાં 7 લોકોનાં મોત

મુંડન વિધિમાંથી પરત ફરતા હતા, બોલેરોના બે ટુકડા થઇ ગયા હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ગઇકાલે મોડી રાત્રે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચંબા-મસરુંદ…

મુંડન વિધિમાંથી પરત ફરતા હતા, બોલેરોના બે ટુકડા થઇ ગયા

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ગઇકાલે મોડી રાત્રે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચંબા-મસરુંદ રોડ પર છત્રુંદ નજીક એક બોલેરો વાહન અચાનક કાબુ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામના કેટલાક ગ્રામજનો નજીકના ગામ કાકડોથામાં આયોજિત એક બાળકના મુંડન સમારોહ (ધામ) માં હાજરી આપવા ગયા હતા.

મિજબાની અને આનંદ-પ્રમોદ બાદ, રાત્રિના સમયે આ તમામ ગ્રામજનો બોલેરો ગાડીમાં સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. કમનસીબે, છત્રુંદ નજીક પહોંચતા જ ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને વાહન સીધું ઊંડી કોતરમાં જઈને પડ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો વાહનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા.

અકસ્માતનો મોટો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંધારામાં પણ સ્થાનિક લોકોએ સાહસ દાખવીને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. જોકે, અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ અવસાન થયું હતું. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ ચંબા પોલીસ અને વહીવટીતંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી શરૂૂ કરી હતી.

આ અકસ્માત બાદ સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જે જગ્યાએ આ અકસ્માત થયો, ત્યાં રસ્તાની બાજુમાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના ’ક્રેશ બેરિયર્સ’ લગાવવામાં આવ્યા ન હતા. લોકોનું માનવું છે કે જો જાહેર બાંધકામ વિભાગે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરી હોત, તો આ સાત નિર્દોષ લોકોના જીવ બચાવી શકાયા હોત. ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાણીએ જણાવ્યું હતું કે પોલીસે કેસ નોંધીને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂૂ કરી દીધી છે. એક જ ગામના સાત વ્યક્તિઓના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *