ગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ

ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ચોરડી ગામની સીમમાં આવેલા હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી જવાના રસ્તા પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો…

ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ચોરડી ગામની સીમમાં આવેલા હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી જવાના રસ્તા પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતા 9 શખસોને રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,24,470 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદિપભાઇ જોરૂભાઇ ધાધલ અને તેમનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

આ દરમિયાન ચોરડી ગામ પાસે વાવડીના વીડા વિસ્તારમાં, હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી તરફ જવાના રસ્તા પાસે લાઈટના અજવાળામાં કેટલાક ઇસમો એકઠા થઇને ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે તુરંત જ પંચોને સાથે રાખીને રાત્રે આશરે 12:45 વાગ્યે ઘટનાસ્થળે રેડ કરી હતી અને જુગાર રમતા તમામ 9 ઇસમોને કોર્ડન કરી લીધા હતા પોલીસે સ્થળ પરથી કુલ નવ આરોપીઓની અટકાયત કરી છે. જેમાં 48 વર્ષીય રામસુરભાઈ માલદેવભાઇ માહોલીયા (રહે. વાવડીનો વીડી, ગોંડલ), 30 વર્ષીય હરદાસભાઇ ધાંધાભાઇ માહુલીયા (રહે. ચરખડી, ગોંડલ), 31 વર્ષીય માનસુરભાઈ નાગહુરભાઇ માહુલીયા (રહે. આશુપરા ચોકડી પાસે, ગોંડલ), 37 વર્ષીય અનિલભાઇ જેન્તીભાઇ સરવૈયા (રહે. વાવડીનો વીડો, ગોંડલ) અને 35 વર્ષીય ગોગનભાઈ ધાંધાભાઇ માહુલીયા (રહે. પડવલા, ગોંડલ) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વેકરી ગામના ચાર શખસો જેમાં 40 વર્ષીય રાજુભાઇ છગનભાઇ રાંક, 37 વર્ષીય ઈન્દ્રસિંહ પોટુભા ચુડાસમા, 42 વર્ષીય અર્જુનસિંહ ભોજરાજસિંહ ઝાલા અને 30 વર્ષીય હસમુખભાઇ અશોકભાઇ મકવાણા પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી કુલ રૂ. 19,470/- ની રોકડ રકમ કબજે કરી હતી. આ સાથે રૂ. 25,000/- ની કિંમતના કુલ 5 મોબાઈલ ફોન અને રૂ. 80,000/- ની કિંમતના 3 મોટરસાયકલ (જ્યુપીટર, એક્ટિવા અને સ્પ્લેન્ડર) પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા 52 ગંજીપત્તા પણ કબજે કરાયા છે. આમ, પોલીસે કુલ રૂ. 1,24,470/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોંડલ તાલુકા પોલીસે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી તેમની ધોરણસર અટકાયત કરી છે. આ કેસની આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગુણવંતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *