રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનો ભોગ લેવાયો છે. શિવપરામાં રહેતાં પ્રૌઢ પોતાના ઘરે હતાં ત્યારે ઢળી પડતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર આવેલા શિવપરા શેરી નં.2માં રહેતાં ભરતભાઈ ટપુભાઈ મુલીયાણા (ઉ.54) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઈ ઢળી પડયા હતાં. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટએટેક આવતાં મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક છ ભાઈ પાંચ બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
