જામનગર શહેરના ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ લિફ્ટમાં અચાનક ફસાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને વૃદ્ધને હેમખેમ બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર શહેરના ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા કાંતિભાઈ મગનભાઈ ઝાલા આજે સવારે અંદાજે સવા દસ વાગ્યાની આસપાસ લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ વચ્ચે જ બંધ થઈ ગઈ હતી. લિફ્ટમાં ફસાઈ ગયેલા કાંતિભાઈએ ગભરાઈને મદદ માટે બૂમાબૂમ કરી હતી.સ્થળ પર હાજર રહેલા પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠિયાએ આ બાબતે તાત્કાલિક જાણ ફાયર બ્રિગેડને કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર કર્મીઓએ અત્યાધુનિક સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી ગણતરીની મિનિટોમાં જ કાંતિભાઈ ઝાલાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં તેમને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી.સમયસર બચાવ કામગીરી થવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ લિફ્ટમાં કયા કારણોસર ટેકનિકલ ખામી સર્જાઈ તે જાણવા માટે તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
