રજપૂતપરામાં કાયદાના લીરા ઉડાવતી ઘટના, બેફામ બનેલા વેપારીએ આઠ શખ્સોને બોલાવી ફટકાર્યો, પોલીસને પણ ધમકાવી, ભયના માર્યા યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મવડી ગામ સંસ્કાર સિટી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પરેશભાઈ ગિરધરભાઈ રાદડિયા ગઈકાલે સાંજના સમયે કોઈ કામસર રાજપૂતપરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રાજપુતપરા મેઈન રોડ પર એક સ્થાનિક વેપારી સાથે તેમનું વાહન અડી જવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય માથાકૂટે જોતજોતામાં મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.ગુસ્સામાં આવેલા વેપારીએ તુરંત જ ફોન કરીને પોતાના અન્ય મળતીયાઓ અને સાગરીતોના ટોળાને હથિયારો સાથે ત્યાં બોલાવી લીધા હતા. અજાણ્યા શખ્સોના આ ટોળાએ પરેશભાઈ પર ધોકા, પાઇપ અને લાકડીઓ વડે બેફામ અને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પરેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા.
આ ભયાનક દ્રશ્ય જોઈને રસ્તેથી પસાર થતા એક જાગૃત રાહદારીએ તાત્કાલિક કંટ્રોલ રૂૂમના નંબર 112 પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે, કાયદાનો કોઈ ડર ન હોય તેમ, પોલીસની ગાડી હજુ ઘટનાસ્થળે પહોંચીને નીચે ઉતરે તે પહેલા જ ઉશ્કેરાયેલા આરોપીઓ પોલીસ કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને સ્થળ પર હાજર પોલીસે તુરંત જ કંટ્રોલ રૂૂમમાં મેસેજ કરીને વધુ પોલીસ ફોર્સની માંગણી કરી હતી. જેના પગલે ગણતરીની મિનિટોમાં પોલીસની અન્ય ચાર ગાડીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને હુમલો કરનાર તમામ આરોપીઓની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં રહેલા પરેશભાઈ રાદડિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એ-ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચીને પ્રાથમિક કાગળો કરવાની તજવીજ હાથ ધરી હતી.
આરોપીઓને પોલીસ પકડીને થાણે લઈ ગઈ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વેપારીઓના સમર્થનમાં અન્ય સાગરીતો અને પરિચિતોનું એક મોટું ટોળું એ-ડિવિઝન પોલીસ મથકે એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન આરોપીઓના કોઈ વગદાર અગ્રણીનો પોલીસ સ્ટેશનમાં સીધો ફોન આવી ગયો હતો. કોર્ટ-કચેરીના ધક્કા અને કાનૂની કાર્યવાહીમાંથી બચવા માટે આ અગ્રણીએ મધ્યસ્થી કરીને પોલીસ પર પ્રેશર બનાવ્યું હતું. પરિણામે, જાહેરમાં કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક હાથે કામ લેવાને બદલે પોલીસની ભૂમિકા કૂણી પડી ગઈ હતી.પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે બંને પક્ષોને સામસામે બેસાડીને સમાધાન કરાવવાની ફોર્મ્યુલા અપનાવી હતી.
અંતે, ભારે દબાણ અને સમજાવટના કારણે ભોગ બનનાર યુવક પરેશભાઈએ પણ મામલો વધુ ન ખેંચાય તે માટે સત્તાવાર ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને બંને પક્ષે સુખદ સમાધાન થઈ ગયું હોવાનું કાગળ પર દર્શાવી મામલો રફેદફે કરાયો હતો.રાજકોટ શહેરમાં સામાન્ય નાગરિકોની સુરક્ષાના દાવા કરતી પોલીસ આ ગંભીર અને જાહેર મારામારીની ઘટનામાં કેમ આટલી કૂણી પડી ગઈ તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
